ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ)એ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ જાહેર થયેલા ચાર ત્રાસવાદીઓની ધરપકડ કરી છે, એમ એટીએસએ મંગળવારે જણાવ્યું હતું. અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા, ડી.સૈયદ કુરેશીને અમદાવાદ એરપોર્ટ નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ચાર આરોપીના ફોટા જારી કર્યા હતા. ચારેય આરોપીએ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના સાગરિત હોવાનું માનવામાં આવે છે.
ગુજરાત પોલીસે તાજેતરમાં રાજસ્થાનમાંથી પકડાયેલ એક ટેરર મોડ્યુલના કનેક્શનમાં અકીબ નચાન નામના ત્રાસવાસીની પણ ધરપકડ કરી છે. આ ટેરર મોડ્યુલના સંદર્ભમાં અગાઉ સાત વ્યક્તિની ધરપકડ થઈ હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ આ કેસ રાજસ્થાન પોલીસ પાસેથી પોતાના પાસે લીધો હતો. આ આરોપીઓ સામે ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ ધારા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાનાં ઠેકાણાં બદલી નાખ્યા હતા. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી બનાવટી નીકળી છે. તપાસમાં સામે આવ્યા મુજબ, આ ચારેય શખસ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે.
આ ચારેય આરોપી બોગસ પાસપોર્ટ બનાવીને એક દેશથી બીજા દેશમાં ફરતા હતા. થોડા સમય પહેલાં દુબઈમાં પણ હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેઓ બોગસ પાસપોર્ટના આધારે અમદાવાદ એરપોર્ટ નજીક આવતા ATSના હાથે ઝડપાયા હતા.
આ ત્રાસવાદીઓને 1993ના મુંબઈ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મુંબઈમાં આ શ્રેણીબદ્ધ હુમલામાં આશરે 300 લોકોના મોત થયા હતા અને આશરે 1,400 લોકો ઘાયલ થયા હતા. એટીએસ અને બીજી તપાસ એજન્સીઓ આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં કેટલીક આરોપીઓને સજા પણ થઈ ચુકી છે. જોકે કેટલાંક કાવતરાખોરો અને ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના સાગરિતો નાસતા ફરે છે.