ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યા બાદ સોમવાર (16મે)એ યુરોપના બજારમાં ઘઉંના ભાવ ઉછળી નવી વિક્રમજનક સપાટીએ પહોંચ્યા હતા. યુરોપના બજારો ખૂલતાની સાથે ઘઉંના ભાવ પ્રતિટન ઉછળીને 453 ડોલર (435 યુરો) થયા હતા. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતની નિર્ણયની આકરી ટીકા કરતાં સાત ઔદ્યોગિક દેશોના ગ્રૂપ જી-7ને જણાવ્યું હતું કે આવા નિર્ણયથી કોમોડિટીના વધતાં જતાં ભાવની કટોકટી વધુ ઘેરી બનશે.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછીથી ઘઉંના વૈશ્વિક ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. યુક્રેન અગાઉ વૈશ્વિક નિકાસમાંથી 12 ટકા નિકાસ કરતું હતું.
ફર્ટિલાઇઝરની અછત અને નબળા પાકને કારણે વૈશ્વિક સ્તરે ભાવવધારાને વધુ વેગ મળ્યો છે. ભારત વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરે છે. સરકારે શનિવારે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીને કારણે પાકને અસર થઈ છે અને તેથી તે નિકાસ પર પ્રતિબંધ મૂકશે. નીચા ઉત્પાદન અને ઊંચા વૈશ્વિક ભાવને કારણે ભારતે તેની 1.4 બિલિયન વસતિની ફૂડ સિક્યોરિટી માટે આ નિર્ણય કર્યો છે. જોકે 13મે પહેલા થયેલા કરાર હેઠળ નિકાસ કરી શકાશે, પરંતુ ભાવિ નિકાસ માટે સરકારની મંજૂરી લેવી પડશે. ઘઉંનો જંગી બફર સ્ટોક ધરાવતા ભારતે અગાઉ જણાવ્યું હતું કે તે યુક્રેન યુદ્ધથી સપ્લાયમાં ઊભી થયેલી તંગીને દૂર કરવા માટે તૈયાર છે. નિકાસ પ્રતિબંધ પહેલા ભારતે આ વર્ષે 10 મિલિયન ટન ઘઉંની નિકાસ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો.