રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. 100 બિલિયન ડોલરની વાર્ષિક રેવેન્યૂ હાંસલ કરનારી દેશની પ્રથમ કંપની બની છે. કંપનીની માર્ચ 2022ને અંતે પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન કુલ રેવેન્યૂ રૂ.7.92 લાખ કરોડ એટલે કે 104.6 અબજ ડોલરની થઈ હતી, જે આગલા વર્ષની સરખામણીએ 47 ટકા વધી હતી. રિફાઇનિંગ માર્જીનમાં નોંધપાત્ર વૃદ્ધિ, ટેલકોમ સેક્ટરની સ્થિર કામગીરી અને ટેલિકોમ તથા રિટેઇલ સેક્ટરમાં મજબૂત કામગીરીને કારણે વાર્ષિક નફો 26.2 ટકા વધીને રૂ.67,845 કરોડ (9 અબજ ડોલર)નો થયો હતો. જ્યારે ઇબીઆઇટીડેએમાં વાર્ષિક ધોરણે 28.8 ટકાની વૃદ્ધિ થઈ હતી. કંપનીના રિટેઇલ બિઝનેસની વાર્ષિક આવક લગભગ રૂ.2 લાખ કરોડે પહોંચી હતી તો ડીજીટલ સર્વિસની આવક રૂ.એક લાખ કરોડને પાર થઈ હતી. કંપનીએ શેરધારકો માટે શેરદીઠ રૂ.8 ડિવિડંડની ભલામણ કરી હતી. કંપનીનો વર્ષ દરમિયાન કેશ નફો 38.8 ટકા વધીને રૂ.110,778 કરોડનો રહ્યો હતો. જ્યારે ઇપીએસ 20.5 ટકા વધીને રૂ.92ની રહી હતી.
કંપનીનો ચોથા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ રેવેન્યૂ 35.1 ટકા વધીને રૂ.232,539 કરોડની રહી હતી. જ્યારે ચોખ્ખો નફો 20.2 ટકા વધીને રૂ.18,021 કરોડનો થયો હતો. ત્રિમાસિક ગાળામાં રોકડ નફો 53.3 ટકા વધીને રૂ.34,871 કરોડનો રહ્યો હતો. આ ગાળામાં નિકાસ કામગીરી 70.6 ટકા વધીને રૂ.79,188 કરોડની થઈ હતી. ચોથા ત્રિમાસિક ગાળામાં સિંગાપોંર ગેસોલીન 92 આરઓએન ક્રેક બેરલે 15.1 ડોલર રહ્યું હતું જે આગલા ત્રીમાસિક ગાળામાં 12.9 ડોલર હતું અને આગલા વર્ષના સમાન ગાળામાં 5.6 ડોલર હતી. જ્યારે સિંગાપોર ગેસોલીન 10-પીપીએમ ક્રેક બેરલે સરેરાશ 21.6 ડોલર હતી, જે ત્રીજા ત્રિમાસિક ગાળામાં 12.6 અબજ ડોલર હતી અને આગલા વર્ષના સમાન ગાળામાં 5.8 અબજ ડોલર હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનો માર્ચના ક્વાર્ટરનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ 24 ટકા વધીને રૂ.4173 કરોડ થયો હતો. ગત વર્ષે આ ગાળામાં તેનો નેટ પ્રોફિટ રૂ.3360 કરોડ હતો. કંપનીની સ્ટેન્ડઅલોન આવક 20 ટકા વધીને રૂ.20,901 કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.17,358 કરોડ હતી. કંપનીનો નેટ પ્રોફિટ ત્રિમાસિક ધોરણે 15.4 ટકા વધ્યો હતો. સમગ્ર વર્ષ 2021-22 માટે રિલાયન્સ જિયોનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 23 ટકા વધીને રૂ.14,854 કરોડ થયો હતો, જે અગાઉના વર્ષે રૂ.12,071 કરોડ હતો. કંપનીની આવક 10.3 ટકા વધીને રૂ.77,356 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષે રૂ.70,127 કરોડ હતી.