ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ સોમવારે રાજીનામું આપ્યા બાદ દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું ઊભી થઈ છે. વ્યાપક હિંસામાં સાંસદ સહિત પાંચના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. લોકોએ પ્રેસિડન્ટ ગોટાબાય રાજપક્ષેને પૈતૃક ઘરને પણ આંગ ચાંપી દીધી હતી. દેશમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત વચ્ચે લાંબા સમયથી દેશમાં વ્યાપક વિરોધી દેખાવો થઈ રહ્યા હતા કે જેમાં લોકો સમગ્ર રાજપક્ષેના પરિવારના રાજીનામાની માગણી કરી રહ્યા હતા. રાજધાની કોલંબોમાં બે રાજકીય ગ્રૂપ વચ્ચે હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 76 લોકો ઘાયલ થયા બાદ પોલીસે રાષ્ટ્રવ્યાપી કરફ્યૂ લાદ્યો છે.
શ્રીલંકાની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થતાં મહિંદા રાજપક્ષે ચારેય તરફની ટીકાઓથી ઘેરાયેલા હતા. રાજધાની કોલંબો સહિત દેશના અનેક વિસ્તારોમાં સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે જોરદાર હિંસક અથડામણ થઈ કે જેમાં સાંસદ સહિત 5નાં મોત થયા છે. દેશમાં આ પ્રકારની અથડામણ ઝડપથી વધી રહી છે.
શ્રીલંકા અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શ્રીલંકામાં અત્યારે ગંભીર આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે અને વિરોધ પ્રદર્શન તેમજ સંઘર્ષ જોવા મળી રહ્યો છે. સોમવારે શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું. દેખાવકારો પ્રેસિડન્ટ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની પણ માગ કરી રહ્યા છે. કોલંબોમાં સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષ થતાં સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કોલંબોમાં સેનાના જવાનોને પણ હાજર રાખવામાં આવ્યા છે.
આર્થિક કટોકટીને પગલે દેશમાં હાલ અનાજ, ઇંધણ અને દવા જેવી તમામ આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત છે. મોટાભાગના વિસ્તારોમાં વીજળી સપ્લાય પણ બંધ થઈ ગયો છે. 9 એપ્રિલથી પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષેની ઓફિસની બહાર દેખાવો કરી રહેલા લોકો પર પ્રેસિડન્ટના વફાદારોએ હુમલો કર્યો હતો. પોલીસે ભીડને વિખેરી નાંખવા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો સહારો લીધો હતો. ટ્રેડ યુનિયનના ભારે વિરોધ પ્રદર્શનને પગલે શુક્રવારે સરકારે ઇમર્જન્સી લાદીને લશ્કરને વ્યાપક સત્તાઓ આપી હતી. ટ્રેડ યુનિયને 17મેએ રાષ્ટ્રીય સંસદનો ઘેરાવો કરવાની જાહેરાત કરી છે.