સુપ્રીમ કોર્ટમાં રાજદ્રોહના કાયદાનો બે દિવસ જોરદાર બચાવ કર્યા બાદ ભારત સરકાર આખરે બ્રિટિશરાજ સમયના આ વિવાદાસ્પદ કાયદાની સમીક્ષા કરવા તૈયાર થઈ છે. દેશમાં રાજદ્વોહના કાયદાના વ્યાપક દુરુપયોગને પગલે આ કાયદાને નાબૂદ કરવા એડિટર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયા સહિતના લોકોએ પિટિશન કરેલી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા નવા સોગંદનામામાં સરકારે જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ (આઝાદીના 75 વર્ષ)ની ભાવના અને પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રાજદ્વોહ કાયદાની કલમ 124એની ફરી તપાસ અને પુનવિચારણા કરવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ ગુરૂવારે કેન્દ્ર સરકારે રાષ્ટ્રદ્રોહની કલમ હટાવવાનો વિરોધ કરતા તેના દુરૂપયોગને રોકવા માટે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ એવી દલીલ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અંગે યોગ્ય વિકલ્પ વિચારવામાં આવશે એવું જણાવીને વર્તમાન કેસની સુનાવણી ચાલુ રાખવા નક્કી કર્યું હતું.
ગયા વર્ષના એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે આઝાદીની ચળવળને દબાવી દેવા માટે મહાત્મા ગાંધી જેવા મહાન પુરુષો સામે બ્રિટને ઉપયોગ કર્યો હતો તેવી જોગવાઈને કેન્દ્ર સરકાર શા માટે નાબૂદ કરતી નથી.