યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મન સામે વિજયના 77મા દિવસની ઉજવણી વખતે રશિયાના પ્રેસિડન્ટ પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે 1945ની જેમ આ વિજય પણ અમારો હશે. યુક્રેનમાં રશિયાના લશ્કરી દળો સંપૂર્ણપણે અસ્વીકાર્ય જોખમ સામે માતૃભૂમિનું રક્ષણ કરી રહ્યાં છે.
9મે 1945ના રોજ રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં વિજયની જાહેરાત કરી હતી. પુતિને યુક્રેનમાં રશિયાની કાર્યવાહીને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાનની સોવિયત લડાઈ સાથે સરખાવી હતી.
મોસ્કોના લાલચોકમાં વિક્ટરી ડે પરેડને સંબોધતાં પુતિન જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયન લશ્કરી કાર્યવાહી પશ્ચિમી દેશોની નીતિઓ સામે યોગ્ય સમયે આપવામાં આવેલ યોગ્ય જવાબ છે. રશિયા યુક્રેનમાં પોતાના વતનનો બચાવ કરી રહ્યું છે. વિશ્વમાં ફરી યુદ્ધ ન થાય તે માટે બધું કરવાની જવાબદારી આપણી છે. નાટો અમારી સરહદ પર રશિયા માટે ખતરો ઉભો કરી રહ્યો છે. યુક્રેનમાં રશિયન સૈનિકો સંપૂર્ણપણે અસ્વીકાર્ય જોખમનો સામનો કરી રહ્યા છે. અમે અમારી જમીન માટે લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, યુક્રેન પરમાણુ હથિયારો તરફ આગળ વધી રહ્યું છે. અમે શપથ લીધા છે કે હિટલરની જેમ રશિયા યુક્રેનને પણ યુદ્ધમાં હરાવી દેશે. આ યુદ્ધમાં જીત આપણી જ થશે. આ દરમિયાન યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા રશિયન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વિજય દિવસ બીજા વિશ્વ યુદ્ધ સાથે જોડાયેલો છે. આજે 9 મેના રોજ 1945ની મધ્યરાત્રિએ યુરોપ અને આફ્રિકાના ઉત્તરીય ભાગોમાં બીજું વિશ્વ યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થયું હતું. રશિયા 1945માં બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મની પર વિજયની યાદમાં આજે 09 મેના રોજ તેનો વાર્ષિક વિજય દિવસ ઉજવી રહ્યું છે.