બિહારમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે અને એક અનોખા લગ્ન તરફ સૌનું ધ્યાન ગયું હતું. રાજ્યના ભાગલપુર જિલ્લાના નવાગાછીયામાં 36 ઇંચ લાંબા મુન્ના ભારતીએ 34 ઇંચની મમતા કુમારી સાથે સાત ફેરા લીધા હતા. આ લગ્નસમારંભમાં વણઆમંત્રિત મહેમાનોની ભીડ ભેગી થઈ હતી અને લોકોએ આ અનોખા નવદંપતી સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. મુન્ના ભારતીની ઉંમર 26 વર્ષ છે, જ્યારે મમતા કુમારીની ઉંમર 24 વર્ષ છે. વરરાજા સ્થાનિક ડાન્સ ગ્રૂપમાં આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. મમતા કુમારીનો ભાઇ પણ એક સર્કસમાં કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે મે મુન્નાને જોયો ત્યારે તે મને લાગ્યું કે તે મારી બહેન માટે યોગ્ય જીવનસાથી છે.