યુએનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને (FAO) તાજેતરમાં જણાવ્યું હતું કે માનવીય ઘર્ષણો, જળવાયુ પરિવર્તન અને આર્થિક સંકટના કારણે લોકોની જીવનધોરણ ખોરંભે ચડ્યું હોવાથી ગત વર્ષે ભૂખમરાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા વધીને 193 મિલિયન પર પહોંચી હતી.
જ્યારે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, યુક્રેનમાં રશિયાનું યુદ્ધ દુષ્કાળનું કારણ બની શકે છે. આ અંગે ત્યારે FAOએ તેના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે 2021માં લગભગ 40 મિલિયન વધુ લોકો ગંભીર ભૂખમરાનો ભોગ બન્યા હતા.
આ ભૂખમરાની સમસ્યાનો સામનો કરી રહેલા 53 દેશોમાં, સૌથી વધુ અસરગ્રસ્તોમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો, ઇથોપિયા, યમન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે જ્યાં 2021માં તાલિબાન દ્વારા સત્તા હસ્તગત કર્યા પછી દેશ આર્થિક સંકટમાં ધકેલાતાં લાખો લોકોને ભૂખનો સામનો કરવો પડે છે. યુનાઈટેડ નેશન્સે આ ‘તીવ્ર અન્ન અસુરક્ષા’ ની એવી રીતે વ્યાખ્યા કરી હતી કે, જ્યારે કોઈ વ્યક્તિ પર્યાપ્ત અન્ન મેળવવાની અક્ષમતા તેમના જીવન અથવા જીવનધોરણને તાત્કાલિક જોખમમાં મૂકે છે. FAOએ જણાવ્યું હતું કે, ‘આ ભૂખ એવી છે જે દુષ્કાળમાં ધકેલવાની અને વ્યાપક મૃત્યુનું કારણ બને છે’. FAO, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને યુરોપીયન યુનિયન દ્વારા 2016માં પ્રથમ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો ત્યારથી આ સંખ્યામાં સતત વધારો થયો છે. FAOએ જણાવ્યું હતું કે, 2021માં ભૂખમરામાં વધારા માટે, ‘ઘર્ષણો, વાતાવરણ અને આર્થિક પરિબળોના ત્રિવિધ ઝેરી સંયોજન જવાબદાર છે, જેની અસર 53 દેશોના લોકોને થઇ છે.’
જોકે, આ રીપોર્ટમાં યુક્રેનના યુદ્ધને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. FAOએ જણાવ્યું હતું કે, ‘અન્નનું સંકટ ધરાવતા દેશો અને દુષ્કાળ અનુભવી રહેલા દેશો પર યુદ્ધની સૌથી વધુ વિનાશક અસરો છે.’
રશિયા અને યુક્રેન જરૂરી છે તેવા કૃષિ ઉત્પાદનોના મુખ્ય નિકાસકારો છે, જેમાં ઘઉં અને સૂર્યમુખીના તેલથી લઈને ખાતરનો સમાવેશ થાય છે, અને FAOએ અગાઉ જણાવ્યું હતું કે, આ યુદ્ધથી માર્ચમાં વિશ્વમાં અન્નના ભાવ સૌથી ઉંચા સ્તરે નોંધાયા હતા. FAOએ જણાવ્યું હતું કે, આ યુદ્ધે વૈશ્વિક અન્ન વ્યવસ્થાઓની એકબીજા સાથે સંકળાયેલી પ્રકૃતિ અને નબળાઇને અગાઉથી જ ઉજાગર કરી છે.’ એજન્સીએ નોંધ્યું છે કે, મોટા અન્ન સંકટ સામે લડી રહેલા કેટલાક દેશોએ ગયા વર્ષે રશિયા અને યુક્રેનમાંથી ઘઉં આયાત કર્યા હતા, જેમાં સોમાલિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને મડાગાસ્કરનો સમાવેશ થાય છે.