હરિયાણામાંથી ત્રાસવાદી હુમલાના એક મોટા ષડયંત્રનો ગુરુવારે પર્દાફાશ થયો હતા. તેલંગણામાં વિસ્ફોટકોનો સપ્લાય આપવા જઈ રહેલા પાકિસ્તાન સાથે સાંઠગાંઠ ધરાવતા ચાર ત્રાસવાદીઓની હરિયાણાના કર્નાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓના વાહનમાંથી શસ્ત્રો, દારુગોળો અને IEDsનો જથ્થો પણ ઝડપાયો છે, એમ પોલિસ અધિકારીઓએ જણાવ્યું હતું.
હરિયાણાના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પી કે અગ્રવાલે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓની ગુપ્ત માહિતીને આધારે હરિયાણા અને પંજાબની પોલીસે વહેલી સવારે હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં કર્નાલમાંથી આ ચાર આતંકીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી પ્રત્યેક 2.5 કિગ્રાના 3 IEDs અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ આ ચારેય પંજાબના રહેવાસી છે. તેમને બસ્તારા ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેના ત્રણ કન્ટેનરમાં આરડીએક્સ હોવાની આશંકા છે. આ ઉપરાંત પાકિસ્તાન બનાવટની પિસ્તોલ, 31 જીવતા કારતૂસ અને રૂ.1.3 લાખની રોકડ રકમ ઝડપી લેવામાં આવી છે.
હરિયાણા પોલીસે વધુ તપાસ માટે સ્પેશ્યલ ટીમની રચના કરી છે. આ ચાર આતંકીઓની ઓળખ લુધિયાણાના એક ગામના ભૂપિન્દર સિંહ તથા ઝીરા, ફિરોજપુરના વિનિકોકે ગામના ગુરપ્રીત સિંહ, પરમિન્દર સિંહ અને અમનદીપ સિંહ તરીકે થઈ છે. તેઓ તેલંગણાના અદિલાબાદમાં વિસ્ફોટકોની ખેપ આપવા જઈ રહ્યાં હતા.
પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓ પાકિસ્તાન સ્થિત હરવિન્દર સિંહ રિન્ડા સંપર્કમાં હતા. રિન્ડા આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. રિન્ડા ડ્રોનની મદદથી ફિરોજપુરના ખેતરોમાં શસ્ત્રો અને વિસ્ફોટકો પહોંચાડતો હતો. ચારેય આતંકીઓને કર્નાલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.