માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરના નવા માલિક ઇલોન મસ્કે ટ્વીટરના સરકારી અને કોમર્શિયલ યુઝર્સ પાસેથી નજીવો ચાર્જ વસૂલ કરવાનો સંકેત આપ્યો છે. મસ્કે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે સામાન્ય યુઝર્સ માટે ટ્વીટર હંમેશા ફ્રી રહેશે પરંતુ કોમર્શિયલ અને સરકારી યુઝર્સે તેના ઉપયોગ બદલ નજીવો ચાર્જ ચૂકવવો પડી શકે છે. ઇલોન મસ્કે એક ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે કે, ‘સામાન્ય યુઝર્સ માટે ટ્વીટર હંમેશા ફ્રી રહેશે, પરંતુ કોમર્શિયલ અને સરકારી યુઝર્સને કદાચ થોડીક કીંમત ચૂકવવી પડશે.’
વેરિફાઈડ ટ્વીટને ઈમ્બેડ કે કોટ કરવા પર થર્ડ પાર્ટી વેબસાઈટ પાસેથી પણ પૈસા વસૂલવાનો સંકેત તેમણે આપ્યો હતો. આ સાથે મસ્કે બ્લૂ ટિક પ્રીમિયમ સબ્સક્રિપ્શન સર્વિસમાં ફેરફારનું સૂચન કર્યું છે.. હાલ ટ્વિટર પ્રીમિયમ બ્લૂ સર્વિસની કોસ્ટ 2.99 ડોલર છે. મીડિયા અહેવાલ અનુસાર મસ્કે ટ્વીટરના નવા સીઈઓ શોધી લીધા છે. જોકે, હજુ આ નવા સીઈઓ કોણ છે તે નામ સામે આવ્યું નથી. મસ્કે ટ્વીટરના ચેરમેન બ્રેટ ટેલરને જણાવ્યું કે તેમના કંપનીના મેનેજમેન્ટ પર બિલકુલ ભરોસો નથી. આ વાત મસ્ક સિક્યોરિટી એક્સચેન્જ કમિશનમાં પણ કહી ચૂક્યા છે. એ કંપનીની કોસ્ટ ઓછી કરવા માટે બોર્ડ અને એક્ઝીક્યૂટિવની સેલેરી પણ ઓછી કરશે.