અમેરિકામાં ઓમિક્રોન વેરિયન્ટના હાહાકારથી આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાતા કંપનીઓને પડી ભાંગેલી ઇન્વેન્ટરીઝને પુનઃ ઉભી કરવા વિદેશી પેદાશો ખરીદવી પડતાં તથા રેકોર્ડ ફૂગાવાના કારણે અર્થતંત્ર આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સંકોચાવા છતાં પ્રેસિડેન્ટ બાઇડેને વ્હાઇટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે મંદીની શક્યતાની તેમને ચિંતા નથી. તેમણે જણાવ્યું હતું કે નીચો બેરોજગારી દર તથા ખર્ચમાં વધારો અર્થતંત્રની મજબૂતીના પુરાવા છે.
વાણિજ્ય વિભાગે બહાર પાડેલા આંકડાની નોંધ લેતા વિશ્લેષકોએ પણ પ્રેસિડેન્ટ જેવી વાત કરતાં ઉમેર્યું હતું કે વપરાશકારો અને વેપાર-ધંધાઓ દ્વારા વધારાયેલો ખર્ચ અર્થતંત્રની મજબૂતીના નિર્દેષાંક છે.2020માં કોરોના મહામારીના ઉપદ્રવ પછી વ્યાપક પ્રમાણમાં લે-ઓફ તથા આર્થિક પ્રવૃત્તિઓમાં રેકોર્ડ પતન તથા ગત વર્ષે જીડીપીના પાંચ ટકા વિસ્તરણના વાતાવરણમાં ફુગાવો 1980ના દાયકા પછીના સૌથી વધારે વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. 2021માં જીડીપીના 6.9 ટકા વિસ્તરણ વચ્ચે અર્થતંત્રના મંદીના દોરમાં પ્રવેશના ભણકારાને ઓક્સફર્ડ ઇકોનોમિક્સના લીડીયા લાઉસૌરે પણ દેખાય છે તેટલો ચિંતાજનક નહીં હોવાનું જણાવ્યું હતું.
વાણિજ્ય વિભાગના આંકડા પ્રમાણે વપરાશકારોનો ખર્ચ 2.7 ટકા અને વેપાર-ધંધાનો ખર્ચ 7.3 ટકા (અગાઉના ક્વાર્ટર કરતાં) વધ્યો છે. પેન્થીઓન માઇક્રોનોમિક્સના ઇયાન શેફર્ડસને જણાવ્યું હતું કે અર્થતંત્ર મંદી તરફ ધકેલાતું નથી કન્ઝયુમર ગુડ્ઝ મોરચે વધેલી આયાતથી નેટ વેપાર ખોરવાયો હતો.