ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન કંપની એર ઇન્ડિયાએ નો-ફ્રિલ્સ એરલાઇન એરએશિયા ઇન્ડિયાને હસ્તગત કરવાની યોજના બનાવી છે અને આ સૂચિત સોદા માટે ભારતના સ્પર્ધા પંચ (સીસીઆઇ)ની મંજૂરી માગી છે.

એરએશિયા ઇન્ડિયામાં 83.67 ટકા શેરહોલ્ડિંગ સાથે ટાટા સન્સ બહુમતી હિસ્સો ધરાવે છે અને તેનો બાકીનો હિસ્સો એર એશિયા ઇન્વેસ્ટમેન્ટ પાસે છે, જે મલેશિયાના એરએશિયા ગ્રૂપનો એક ભાગ છે.

ફુલ સર્વિસ એરલાઇન એર ઇન્ડિયા અને તેની લો-કોસ્ટ પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસને ગયા વર્ષે ટાટા સન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટેલેસ પ્રા. લિએ ભારત સરકાર પાસેથી હસ્તગત કરી હતી. આ ઉપરાંત ટાટા ગ્રૂપ સિંગાપોર એરલાઇન્સ સાથેના સંયુક્ત સાહસમાં ફુલ સર્વિસ એરલાઇન વિસ્તારા ઓપરેટ કરે છે.આ હિલચાલનો હેતુ ટાટા ગ્રૂપના એરલાઇન બિઝનેસના કોન્સોલિડેશનનો હોઇ શકે છે.

સીસીઆઇને આપવામાં આવેલી નોટિસ મુજબ સૂચિત કોમ્બિનેશન એર ઇન્ડિયા લિમિટેડ દ્વારા એરએશિયા (ઇન્ડિયા)ની સંપૂર્ણ શેરમૂડી ખરીદવા સંબંધિત છે. એક જ ક્ષેત્રમાં બે કંપનીઓના મર્જર માટે સ્પર્ધા પંચની મંજૂરી જરૂરી છે.

એરએશિયા ઇન્ડિયાએ જૂન 2014માં એરલાઇન સર્વિસ ચાલુ કરી હતી. તે શિડ્યુલ્ડ એર પેસેન્જર ટ્રાન્સપોર્ટ, એર કાર્ગો ટ્રાન્સપોર્ટ અને ચાર્ટર ફ્લાઇટ સર્વિસ ઓફર કરે છે. તે ઇન્ટરનેશનલ ઓપરેશન્સ ધરાવતી નથી. નોટિસમાં જણાવાયા અનુસાર સૂચિત કોમ્બિનેશનથીી ભારતમાં કોઇપણ રીતે સ્પર્ધાના વાતાવરણને અસર થશે નહીં.