વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપની મુલાકાત પહેલા ભારતે રવિવારે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાની તથા મંત્રણા અને કૂટનીતિ મારફત સંઘર્ષનો ઉકેલ લાવવાની અપીલ કરી છે.
નવા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ યુક્રે અંગે ભારતના વલણના સંદર્ભ, સ્પષ્ટતા, મહત્ત્વ અને હકારાત્મક પાસાંમાં ભાર મૂકીને જણાવ્યું હતું કે ભારતના વલણ અંગે કોઇ આશંકા હોવી જોઇએ નહીં. ચાલુ વર્ષેની પ્રથમ વિદેશ યાત્રામાં મોદી સોમવારથી જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની ત્રણ દિવસની યાત્રાનો પ્રારંભ કરશે.
યુક્રેન મુદ્દે ભારતના વલણને વિવિધ દેશો સમક્ષ સ્પષ્ટ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરતાં વિદેશ સચિવે જણાવ્યું હતું કે યુક્રેન અંગે અમારું વલણ સ્પષ્ટ છે. પ્રથમ દુશ્મનાવટનો અંત આવવો જોઇએ. બીજું એ કે મંત્રણા અને કૂટનીતિ મારફત ઉકેલ લાવવો જોઇએ. મોદીની યુરોપ યાત્રા દરમિયાન આ ત્રણ યુરોપિયન દેશો સાથે વેપાર અને રોકાણ, ક્લિન એનર્જી, ડિજિટલ ટેકનોલોજી અને ડિફેન્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારતના દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરાશે. જોકે પ્રાદેશિક અને વૈશ્વિક ગતિવિધિ અંગેની ચર્ચાના ભાગરૂપે યુક્રેન મુદ્દે પણ વિચારવિમર્શ થશે.
તેમણે જણાવ્યું હતું કે ભારતના આંતરરાષ્ટ્રીય ભાગીદાર દેશો યુક્રેન અંગે ભારતના વલણને સમજે છે અને તેમણે પ્રશંસા પણ કરી છે. મોદીની યાત્રા દરમિયાન ચર્ચાના ચાવીરૂપ ક્ષેત્રમાં ઊર્જા સુરક્ષાનો સમાવેશ થાય છે, કારણ કે હાલની સ્થિતિમાં ઊર્જા સુરક્ષાનું મહત્ત્વ વધી ગયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધને પગલે યુરોપના દેશોમાં રશિયાની અનર્જી પરના અવલંબનને અંત લાવવાની વ્યાપક ચર્ચા થઈ રહી છે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે મોદી અને જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝના સહ-વડપણ હેઠળ સોમવારે ભારત-જર્મની આંતર સરકાર વિચારવિમર્શ (આઇજીસી)નો છઠ્ઠો રાઉન્ડ યોજાશે. આ પછી ઊંચી સ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજાશે, જેમાં બંને દેશોના ટોચના સીઇઓ સાથે મોદી અને શોલ્ઝ વિચારવિમર્શ કરશે. મોદી જર્મનીમાં વસતાં ભારતીય સમુદાય સાથે પણ વિચારવિમર્શ કરશે.
જર્મનીથી મોદી ડેનમાર્કના વડાપ્રધાન મેટી ફ્રેડેરિકસનના આમંત્રણને પગલે કોપનહેગન જશે. અહીં તેઓ બીજી ઇન્ડિયા-નોર્ડિક સમીટમાં ભાગ લેશે. મોદીની સાથે નાણાપ્રધાન નિર્મલા સીતારમન અને બીજા પ્રધાનો સહિતનું પ્રતિનિધિમંડળ હશે.