REUTERS/Amit Dave

ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્યભારતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વિસ્તારના રાજ્યોમાં એપ્રિલ મહિનામાં ગરમીનો 122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. એપ્રિલ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્યભારતમાં અનુક્રમે સરેરાશ મહત્તમ તાપમાન 35.9 અને 37.78 ડિગ્રી સેલ્શિયસ રહ્યું છે. આ ઉપરાંત આ અસહ્ય ગરમીથી મે મહિનામાં પણ કોઇ રાહત મળશે નહીં, એમ હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું.

પત્રકાર પરિષદને સંબોધન કરતાં ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ, જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં મે મહિનામાં પણ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે. દેશના મોટાભાગના વિસ્તારમાં રાત્રિ દરમિયાન પણ ગરમી રહેશે. શનિવારે ઉત્તરપ્રદેશના બાંદામાં મહત્તમ 47.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે દેશમાં સૌથી ઊંચું છે.

સમગ્ર દેશના ધોરણે જોઇએ એપ્રિલમાં સરેરાશ તાપમાન 35.05 ડિગ્રી રહ્યું હતું, જે 122 વર્ષમાં ચોથા ક્રમે સૌથી ઊંચું છે. દેશમાં મે 2022માં સરેરાશ વરસાદ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની સૌથી વધુ શક્યતા છે. જોકે ઉત્તરપશ્ચિમ અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાંક વિસ્તારો અને દૂરના દક્ષિણપૂર્વ દ્વિપકલ્પ ભારતના વિસ્તારોમાં મે દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ આવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે માર્ચ અને એપ્રિલમાં ગરમીના પ્રકોપ માટે ઓછો વરસાદ એક મુખ્ય કારણ છે. માર્ચમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં 89 ટકા ઓછો વરસાદ આવ્યો હતો, જ્યારે એપ્રિલમાં વરસાદની આશરે 83 ટકા ખાધ રહી હતી. ઓછા વરસાદનું મુખ્ય કારણે સુકુ અને નબળુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.

ઉત્તરભારતમાં આ વખતે છ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યા હતા, પરંતુ મોટાભાગના નબળા હતા અને હિમાલયના તળિય વિસ્તારમાં આગળ વધ્યાં હતા. છેલ્લાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી એપ્રિલમાં દિલ્હીના કેટલાંક વિસ્તારમાં ભારે પવન અને રાજધાનમાં રેતીનું તોફાન આવ્યું હતું.

ભારત અને ખાસ કરીને ઉત્તરપશ્ચિમ અને પશ્ચિમ ભારત છેલ્લાં કેટલાંક સપ્તાહથી તીવ્ર હીટવેવનો સામનો કરી રહ્યાં છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં અગાઉ એપ્રિલ 2010માં સરેરાશ મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મધ્ય ભારતનો અગાઉનો રેકોર્ડ 1973માં 37.75 ડિગ્રી મહત્તમ તાપમાનનો છે.

રાજસ્થાનમાં ગરમીનો પારો 50ને વટાવી જવાની શક્યતા

હવામાન વિભાગના વડાએ પશ્ચિમ રાજસ્થાનમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રીને પાર કરવાની શક્યતાનો ઇનકાર કર્યો ન હતો. આ ઉનાળાની સિઝનમાં તાપમાન 50 ડિગ્રીને વટાવી જશે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું આવી આગાહી કરી શકું નહીં, પરંતુ હવામાનની દ્રષ્ટીએ તે શક્ય છે, કારણ કે મે મહિનો સૌથી ગરમ છે.

ગરમીના પ્રકોપનું મુખ્ય કારણ ઓછો વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચ અને એપ્રિલમાં કાળઝાળ ગરમીનું મુખ્ય કારણ સતત ઓછો વરસાદ છે. માર્ચમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં આશરે 89 ટકા ઓછો વરસાદ પડ્યો હતો, જ્યારે એપ્રિલમાં વરસાદની 83 ટકા ખાધ રહી હતી. નબળા અને સુકા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ ઘટ્યો છે અને ગરમી વધી છે.

ભારત-પાક.માં ગરમી માટે માત્ર ક્લાઇમેટ ચેન્જ જવાબદાર નથીઃ UN

ભારત અને પાકિસ્તાનના મોટાભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે યુએનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આ બંને દેશોમાં ગરમીના પ્રકોપ માટે એકમાત્ર ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવવાનું વહેલું ગણાશે, પરંતુ તે બદલાતા હવામાન સાથે સુસંગત છે. હવે હીટવેવ ભૂતકાળ કરતાં વહેલી શરૂ થઈ જાય છે. વિશ્વ હવામાન સંગઠન (WMO)એ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન મોટાભાગના વિસ્તારો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યાં છે અને તેનાથી વિશ્વના સૌથી વધુ ગીચતા ધરાવતા આ વિસ્તારોમાં લાખ્ખો લોકોને અસર થઈ રહી છે. પાકિસ્તાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિવસનું તાપમાન સામાન્ય કરતાં 5થી 8 ડિગ્રી સેલ્શિયલ ઊંચું રહેવાની ધારણા છે.

ભીષણ ગરમી વચ્ચે કેટલાંક રાજ્યોમાં 10 કલાકનો વીજકાપ

દેશમાં ભીષણ ગરમીને કારણે વીજળીની માગમાં પણ અસાધારણ વધારો થયો છે. જોકે કાલસાની અછતને કારણે દેશમાં ચોથા ભાગના પાવરપ્લાન્ટ બંધ પડ્યા છે. હાલમાં 16 રાજ્યોમાં કેટલાંક વિસ્તારમાં 10 કલાક સુધીનો વીજકાપ ચાલી રહ્યો છે. સરકારી રેકોર્ડ મુજબ દેશભરમાં 10 હજાર મેગાવોટ અથવા 15 કરોડ યુનિટ વીજળીનો કાપ ચાલી રહ્યો છે. જોકે દેશમાં વીજળીની અછત સરકારી આંકડા કરતાં ઘણી વધુ હોવાનું માનવામાં આવે છે.