બિહારના પટનામાં કોરોનાનો ખતરનાક વેરિયન્ટ BA.12 જોવા મળ્યો છે. આ વેરિયન્ટ અમેરિકામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે ઓમિક્રોન કરતાં 10 ગણો વધુ ખતરનાક અને જોખમી હોવાનું કહેવાય છે. દિલ્હીમાં પણ આ વેરિયન્ટના એકથી બે કેસ નોંધાયા છે. જોકે, ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં જોવા મળેલા આ નવા સ્ટ્રેનના કેસ હજુ દેશમાં ઘણા ઓછા છે.
BA.12 વેરિયન્ટ સૌપ્રથમ અમેરિકામાં જોવા મળ્યો હતો. પટનામાં જ્યારે ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં 13 નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ હાથ ધરવામાં આવી ત્યારે તેના વિશે માહિતી મળી હતી. જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવ્યો ત્યારથી તેની તપાસ કરવામાં આવી રહી છે. દર્દીના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. નિષ્ણાતો કહે છે કે, XE અને BA.12 વેરિયન્ટ્સ વિશે હજુ વધારે આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ BA.12 વેરિયન્ટ ઘણા દેશોમાં જોવા મળ્યો છે.
નવો વેરિયન્ટ BA.12એ ઓમિક્રોનનો નવો મ્યુટેન્ટ વેરિયન્ટ છે. તે XE વેરિયન્ટથી એકદમ અલગ છે. XEએ રિકોમ્બિનેશન વેરિયન્ટ છે અને આ મ્યુટેન્ટ વેરિયન્ટ છે. જ્યારે BA.12એ ઓમિક્રોનના BA.1 અને BA.2ની જેમ એક સબ વેરિયન્ટ છે. XE વેરિયન્ટ સૌપ્રથમ યુકેમાં 19 જાન્યુઆરીએ જોવા મળ્યો હતો.