સોખડાના સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ ગત સપ્તાહે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં સોખડાના સંતો હાઇકોર્ટમાં વર્ચ્યુઅલી સુનાવણી માટે વડોદરા કોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટે મંદિર મામલે મહત્વપૂર્ણ હૂકમ કર્યો હતો. જેમાં મંદિરમાં રાખવામાં આવેલ સાધુઓ પૈકી ૧૮૦ સાધુઓને આણંદ પાસેના બાકરોલ આત્મીય કેમ્પસ ખાતે રાખવા અને સાધ્વીઓને અમદાવાદ નિર્ણયનગર સ્થિત સંત નિવાસ ખાતે રાખવાનો હુકમ કર્યો હતો. આ દરમ્યાન પ્રતિવાદી પ્રેમસ્વરૂપદાસ સ્વામી, જોઇન્ટ સેક્રેટરી જે.એમ.દવે અને ત્યાગવલ્લભ સ્વામીને કોર્ટના આદેશ વિના જે જગ્યાએ આ સાધુ-સાધ્વીઓને રાખવામાં આવ્યા છે ત્યાંની મુલાકાત લેવા કે તેમનો ઓનો સંપર્ક ન કરવા પણ હુકમ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદ અંગે સુનાવણી દરમ્યાન સોખડાથી ૧૮૦ સાધુ-સાધ્વીઓ વડોદરાની કોર્ટમાં હાજર થઇને વિડીયો કોન્ફરન્સ થકી હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાધુ-સાધ્વીઓએ છેલ્લા ચાર માસથી મંદિરમાં તેમને પડેલ મુશ્કેલીઓ અને સમસ્યા અંગે કોર્ટને જણાવ્યું હતું. આશરે દોઢેક કલાક સુધી હાઇકોર્ટે સાધુઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાંભળ્યા હતા. ત્યારબાદ કોર્ટે વચગાળાનો હુકમ કર્યો હતો કે, ૧૮૦ સાધુ-સંતોને અન્ય કેમ્પસમાં ખસેડવામાં આવે. જેમાં સાધુઓને બાકરોલના આત્મીય કેમ્પસ અને સાધ્વીઓને અમદાવાદના નિર્ણયનગર સ્થિત કેમ્પસમાં મોકલવામાં આવે. વધુમાં જિલ્લા પોલીસ વડાની મદદથી ૧૮૦ સાધુના પાસપોર્ટ સહિત મહત્વના સામાન સાધુ,સાધ્વીઓને પહોંચાડવામાં આવે તેવો પણ હુકમ કર્યો હતો. સાથોસાથ આ ધાર્મિક સંસ્થાનો મામલો હોવાથી બંને પક્ષોએ સાથે મળીને સમાધાનની ફોર્મ્યુલા અપનાવવા માટે પણ કોર્ટે સૂચન કર્યુ હતું.
વડોદરા કોર્ટમાંથી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી બહાર સંતો બહાર નીકળતાં જ મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભકતોએ ‘જય મહારાજ જય સ્વામી, દાસના દાસ બનાવશોજી’ના નારા સાથે પુષ્પવર્ષા કરી હતી. સંતો વડોદરાથી બાકરોલ ખાતે આવવા અને સાધ્વીઓ અમદાવાદ ખાતે પહોંચવા બસ દ્વારા રવાના થયા હતા.સોખડા ખાતે સ્વામી હરિપ્રસાદ બ્રહ્મલીન થયા બાદ મંદિરની સત્તાને લઈને પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. હરિધામની 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ અને ગાદી વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે.