વોશિંગ્ટનમાં એક થિંક ટેંકના અહેવાલમાં જણાવ્યા મુજબ, નાણાકીય 2021માં અમેરિકન તંત્ર કાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે ઉપલબ્ધ રોજગાર આધારિત ચોથા ભાગના ગ્રીન કાર્ડ્સ ઇશ્યુ કરવામાં નિષ્ફળ ગયું છે અને તેના કારણે ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સને સૌથી વધુ નુકશાન થયું હતું.
2021માં રોજગાર આધારિત ગ્રીન કાર્ડની રાહ જોતા અંદાજે 1.4 મિલિયન ઇમિગ્રન્ટ્સ હોવા છતાં, સરકારે ઉપલબ્ધ 262,288 ગ્રીન કાર્ડ્સની સંખ્યામાંથી ફક્ત 195,507નો જ ઉપયોગ કર્યો, એટલે કે 66,781 ગ્રીન કાર્ડ બિનઉપયોગી પડી રહ્યા હોવાનું કેટો ઇન્સ્ટિટ્યૂટના રીસર્ચ સભ્યે જણાવ્યું હતું.
આ ઇન્સ્ટિટ્યૂટમાં ઇમિગ્રેશન સ્ટડિઝના એસોસિએટ ડાયરેક્ટર ડેવિડ જે. બીઅરે એક બ્લોગ પોસ્ટમાં નોંધ્યું હતું કે, જાન્યુઆરી 2022 સુધીમાં, USCIS એજન્સીએ નાણાકીય 2022માં રોજગાર આધારિત એક લાખ કરતાં વધુ ગ્રીન કાર્ડનો ઉપયોગ કર્યો નહોતો.
બીયરે આ વર્ષે દરેક ઉપલબ્ધ ગ્રીન કાર્ડનો ઉપયોગ થાય તેની ખાતરી કરીને કાયદેસરના ઇમિગ્રેશન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા બાઈડેન એડમિનિસ્ટ્રેશનને અનુરોધ કર્યો હતો.તેમણે બ્લોગ પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘ગ્રીન કાર્ડનો ઓછો ઉપયોગ ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સને અન્ય જૂથ કરતાં વધુ અસર કરે છે, કારણ કે રાહ જોઈ રહેલા ઇમિગ્રન્ટ્સમાં ઈન્ડિયન્સનો હિસ્સો 82 ટકા છે.
બીઅરે વધુમાં નોંધ્યું છે કે, ‘આવું એટલા માટે થાય છે કે કાયદો કોઈપણ એક દેશના ઇમિગ્રન્ટ્સને એક વર્ષમાં ઉપલબ્ધ ગ્રીન કાર્ડ્સના સાત ટકાથી સુધી જ મર્યાદિત કરે છે, અને ઘણા વર્ષોથી, નવા અરજદારોમાં ભારતીયોનો હિસ્સો અડધા જેટલો રહેતો આવ્યો છે.નવા ઇન્ડિયન અરજદારો બેકલોગમાં જાય છે, જ્યારે અન્ય દેશોના ઇમિગ્રન્ટ્સ તેમનાથી આગળ નીકળી જાય છે અને તેમની અરજીઓનો નિર્ણય થતાં જ ગ્રીન કાર્ડ મેળવી લે છે.‘પરંતુ દેશ દીઠ મર્યાદા’માં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપવાદ છે કે, જો વિશ્વના અન્ય લોકો બધા ગ્રીન કાર્ડ્સનો ઉપયોગ નહીં કરે, તો ભારતીયો તે કુલ ગ્રીન કાર્ડ્સમાંથી સાત ટકાથી વધુ મેળવી શકે છે.
2021માં, રોજગાર-આધારિત મર્યાદામાં 120,000થી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. કારણ કે કાયદો સૂચવે છે કે, કોઈપણ પરિવાર આધારિત બિનઉપયોગી ગ્રીન કાર્ડની સંખ્યા પછીના વર્ષમાં રોજગાર આધારિત શ્રેણીઓને ફરીથી ફાળવવામાં આવે છે.‘આ ધસારાનો અર્થ એ હતો કે ભારતીયો અંતે દેશની મર્યાદા નજરઅંદાજ કરી શકે છે અને સાત ટકાની મર્યાદા કરતાં વધુ ગ્રીન કાર્ડ મેળવી શકે છે.
મોટાભાગના ભારતીય અરજદારો EB 2 અને EB 3 કેટેગરીમાં રાહ જોઈ રહ્યા છે, નાણાકીય વર્ષ 2020માં ઇશ્યુ કરવાની સંખ્યા 5,793 નાણાકીય વર્ષ 2021માં વધીને 43,200 થઈ ગઈ હતી.તેમણે વધુમાં લખ્યું છે કે, ‘તેને હું એટલા માટે ‘ગેરકાયદે’ કહું છું કારણ કે સરકારે કોંગ્રેસ દ્વારા ઘડવામાં આવેલા કાયદાનો અમલ કરવો જરૂરી છે, અને તેણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. કમનસીબે, અદાલતો તેમને જવાબદાર ઠેરવવામાં નિષ્ફળ રહી, તેથી કોંગ્રેસે આગળ વધવું જોઈએ અને એજન્સીઓને કાયદાનું પાલન કરવા માટે દબાણ કરવું જોઈએ.’
નાણાકીય વર્ષ 2022માં રોજગાર આધારિત મર્યાદા તેની અગાઉના વર્ષ કરતા 281,430 કરતાં પણ વધારે છે. નાણાકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળાના આંકડા, એજન્સીના અધિકારીઓ અને વકીલોના નિવેદનોના આધારે, એવું સ્પષ્ટ લાગે છે કે એજન્સીઓ નાણાકીય વર્ષ 2021માં તેમની નબળી કામગીરી ફરી દોહરાવશે.’ 84 ટકા બિનઉપયોગી સાથે, EB 5 રોકાણકાર વર્ગમાં ઉપલબ્ધ ગ્રીન કાર્ડ્સની ટકાવારી તરીકે નાણાકીય વર્ષ 2021માં સૌથી વધુ ગ્રીન કાર્ડનો ઉપયોગ થઇ શક્યો નહોતો.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, ગ્રીન કાર્ડનો સૌથી વધુ બિનઉપયોગ મોટેભાગે EB 3 કેટેગરીમાંથી બેચલર ડિગ્રી ધારકોમાં થયો હતો, જેમાં ગત નાણાકીય વર્ષમાં 19,774 ગ્રીન કાર્ડ ફાળવાયા નહોતા.
બિનઉપયોગી સંખ્યાને એક કેટેગરીમાંથી બીજી કેટેગરીમાં ફાળવતી કેપ સીસ્ટમમાં દર વર્ષે તમામ સંખ્યાનો ઉપયોગ થાય છે તેવી ખાતરી અપાતી હોવાનું માનવામાં આવે છે, પરંતુ ગત નાણાકીય વર્ષમાં સીસ્ટમ તૂટી ગઈ હતી.
બીઅરે વધુમાં લખ્યું હતું કે,અમેરિકાની સરકાર દરેક ગ્રીન કાર્ડ ઇસ્યુ થાય તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી ફેરફારોનો અમલ ઝડપથી કરવામાં નિષ્ફળ રહી, તેથી તેમના ગ્રીન કાર્ડ્સ બિનઉપયોગી થયા – વેડફાઈ ગયા.