ગુજરાતની મુલાકાત લેનારા બ્રિટનના સૌપ્રથમ વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ પછી રાજધાની દિલ્હીમાં પણ શાનદાર સ્વાગત કરાયું હતું. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણામાં રોડમેપ-2030 સહિત દ્વિપક્ષી સંબંધોનાં તમામ પરિમાણોની સમીક્ષા કરાઈ હતી અને આ વર્ષના અંત સુધીમાં બન્ને દેશ વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી ઉપર વાટાઘાટને આખરી ઓપ આપવાનો નિર્ણય પણ લેવાયો હતો.
બંને નેતાઓ સંરક્ષણ ભાગીદારીને નવી ઊંચાઇએ પહોંચાડવા સંમત થયા હતા. નીરવ મોદી અને વિજય માલ્યા વિશે બોરિસે કહ્યું કે બ્રિટને તેમના ભારત પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે. બ્રિટનની ભૂમિ ખાલિસ્તાની સમર્થકો માટે ઉપયોગમાં લેવા નહીં દેવાય. ભારતના ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યા વિશે જોન્સને કહ્યું કે અમારી સરકાર તો પ્રત્યાર્પણને મંજૂરી આપી ચૂકી છે, મામલો કાનૂની દાવપેચમાં ફસાયો છે. ભારતમાં અપરાધી જાહેર થઈ ચૂકયા હોય એવા કોઈ પણ શખ્સને અમારા દેશમાં અમે કાયદાનો ઢાલ તરીકે ઉપયોગ કરવા દેશું નહીં. બ્રિટનમાં ખાલિસ્તાની તત્વો અંગે ભારતની ચિંતાઓના સંદર્ભમાં બ્રિટિશ પીએમે કહ્યું કે અમે અમારા દેશમાં સક્રિય અને અન્ય દેશને નિશાન બનાવતા કટ્ટરપંથી જૂથોને સાંખી લેશું નહીં. અમે ભારતની મદદ માટે કટ્ટરતા વિરોધી દળ બનાવ્યું છે એમ જોન્સને ઉમેર્યું હતું. બોરિસ જોન્સને ગાંધીનગરના સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર, અમદાવાદના ગાંધી આશ્રમ તેમજ હાલોલમાં જેસીબીની ફેક્ટરીની મુલાકાત લીધી હતી, તો અમદાવાદમાં ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ મળ્યા હતા. બોરિસ જોન્સને નવી દિલ્હીમાં મોદી સાથેની મંત્રણાઓ પછી કહ્યું હતું કે, યુકેને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોની જરૂર છે અને તે ભારતીયોને વધુ વીઝા આપવાની તરફેણમાં છે, તો સાથે સાથે તે સંરક્ષણ ક્ષેત્રે પણ મોદીની પરિકલ્પના મુજબ ભારત આત્મનિર્ભર બની રહે તે મુજબનો ટેકનોલોજી સહયોગ આપી ભારતમાં આધુનિક યુદ્ધ વિમાનોના ઉત્પાદનમાં સહભાગી થવા તૈયાર છે.
બ્રિટનને ભારતની વિશાળ માર્કેટમાં પોતાના ઉત્પાદનો કોઈ રોકટોક વિના વેચવાની મંજુરી જોઈએ છે, તેના અર્થતંત્રને પણ નવી બજારો જોઈએ છે. બ્રિટન અને ભારતના સંબંધો સૈકાઓ જુના છે, તે હવે વધુ ને વધુ મજબૂત બનશે. બ્રિટનમાં વસતા ભારતીય બ્રિટિશર્સના સમુદાયના પ્રદાન, ઈન્ડો – પેસિફિક પ્રદેશમાં ચીનના વધી રહેલા વર્ચસ્વને કાબુમાં રાખવામાં ભારતનું મહત્ત્વ પણ બ્રિટન બરાબર સમજે છે. યુક્રેન યુદ્ધના સંદર્ભમાં ભારત – રશિયાના સંબંધો મુદ્દે બોરિસ જોન્સને કહ્યું હતું કે, તેઓ આ મુદ્દો બરાબર સમજે છે, એના વિષે ભારતને કઈં વધુ કહેવાનું તેમને જરૂરી લાગતું નથી.