તમિલનાડુના થાન્જાવુર જિલ્લામાં બુધવાર (27 એપ્રિલ)એ મંદિરની વાર્ષિક રથયાત્રા દરમિયાન રથ હાઈ વોલ્ટેજ વીજળીના તારના સંપર્કમાં આવતા વીજળીના કરંટથી બે બાળકો સહિત 11 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા અને 15 વ્યક્તિ દાઝી ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે કાલિમેડુમાં અપ્પર મદામ મંદિર ખાતે રથની પાલખી હાઇ ટ્રાન્સમિશન લાઇનના સંપર્કમાં આવતા આ દુર્ઘટના બની હતી. તમિલનાડુમાં વાર્ષિક રથયાત્રામાં હજારો ભક્તો ભાગ લેતા હોય છે.
વાર્ષિક રથ ઉત્સવ દરમિયાન રથને લઈને લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક રથ એક જગ્યા પર વળાંક દરમિયાન ફસાઈ ગયો હતો. રથને આગળ લઈ જવા માટેના પ્રયાસ દરમિયાન તેને થોડો પાછળ ખસેડવાની જરૂર પડી હતી. આ દરમિયાન ઓવર હેડ હાઈ વોલ્ટેજ વાયર રથના સંપર્કમાં આવતા રથની જોડે રહેલા લોકોને ભારે આંચકો લાગ્યો હતો અને ઘટના સ્થળ પર 11 લોકોના મોત થઈ ગયા હતા.
આ ઘટનામાં 11 લોકોના મોતની સાથે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. રથયાત્રા મંદિર તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. આ ઘટનામાં 15 જેટલા લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ લોકો એટલા ગભરાઈ ગયા હતા કે શું કરવું અને શું ના કરવું તે સમજી શક્યા નહોતા.
આ દુર્ઘટના અંગે પોલીસ સહિતની ટીમો દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવ બન્યો ત્યારે અંધારું હતું માટે રાહત અને બચાવ કાર્યમાં કેટલીક અડચણો આવી હતી. આ સાથે ઈલેક્ટ્રિક વિભાગની ટીમને પણ ઘટના બાદ કામે લગાડવામાં આવી હતી કે જેથી વધુ લોકોના જીવ ના જાય.