આ વર્ષે આઈપીએલમાં વિતેલા વર્ષોની બે ટોપ ટીમ્સનો દેખાવ નિરાશાજનક જ રહ્યો છે. મુંબઈ માટે તો સતત આઠ પરાજય સાથે પ્લે ઓફ્સની શક્યતા રહી જ નથી, લગભગ એવી જ દશા ચેન્નઈ સુપર કિંગ્સની પણ છે. તે અત્યારસુધીમાં ફક્ત બે મેચમાં – બન્ને વખતે મુંબઈ સામે જ વિજય મેળવી શક્યું છે અને તે રીતે પોઈન્ટ્સ ટેબલમાં છેક નવા ક્રમે છે. ગુજરાત ટાઈટન્સે ફક્ત એક પરાજય સાથે વિતેલા સપ્તાહમાં પણ પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે, તો લખનૌ સુપર જાયન્ટ્સ પણ સખત સ્પર્ધામાં છે.
સોમવારે રમાયેલી મેચમાં પણ ચેન્નઈનો એક વધુ પરાજય થયો હતો, પંજાબે 11 રને વિજય સાથે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું, તો ચેન્નઈ 9માં સ્થાને યથાવત રહ્યું હતું. જાડેજાએ ટોસ જીતી પંજાબને પહેલા બેટિંગ લેવા કહ્યું હતું. સુકાની મયંક અગ્રવાલ તો ફક્ત 18 રન કરી શક્યો હતો પણ ફોર્મમાં રહેલા શિખર ધવને 59 બોલમાં અણનમ 88 રન (9 ચોગ્ગા, 2 છગ્ગા) કરી રંગ રાખ્યો હતો. ભાનુકા રાજપક્ષા (42) સાથેની બીજી વિકેટની ભાગીદારીમાં ધવને 110 રન ઉમેરી ટીમને સદ્ધર સ્થિતિમાં મુકી દીધી હતી. ચેન્નઈએ છ બોલર્સ અજમાવ્યા હતા અને તો પણ ડ્વેઈન પ્રિટોરિયસ તથા ડ્વેઈન બ્રાવો સૌથી મોંઘા સાબિત થયા હતા. પંજાબે ચાર વિકેટે 187 રનનો થોડો પડકારજનક સ્કોર કર્યો હતો.
જવાબમાં ચેન્નઈ તરફથી રાયડુએ 39 બોલમાં 78 રન કર્યા હતા, પણ બીજા કોઈ બેટ્સમેન ખાસ કઈં કરી શક્યા નહોતા. ચેન્નઈ 6 વિકેટે 176 રન સુધી જ પહોંચી શકી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડના 30 એ પછીનો ચેન્નઈનો બીજો મહત્ત્વનો સ્કોર હતો. કાગિસો રબાડા અને ઋષિ ધવને બે-બે તથા સંદીપ શર્મા અને અર્શદીપે એક-એક વિકેટ લીધી હતી.
શિખર ધવને પોતાની 200મી આઈપીએલ મેચ રમતા સોમવારે લીગમાં 6000 રન પુરા કર્યા હતો અને આ સિદ્ધિ મેળવનારો તે વિરાટ કોહલી પછી બીજો ખેલાડી બન્યો હતો. તેને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.