ઓટીસી પ્લેટફોર્મ અને સ્ટ્રીમિંગ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડર નેટફ્લિક્સ સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં 2022ના પ્રથમ ક્વાર્ટરમાં 2 લાખનો ઘટાડો થયો હતો. કંપનીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા ઘટી હોય તેવી એક દાયકામાં પ્રથમ વખત આ ઘટના છે જોકે કંપનીએ આ ઘટાડા પાછળ યુક્રેન પર મોસ્કોના આક્રમણને જવાબદાર ઠેરવ્યું છે. રશિયામાં તેની સેવા સ્થગિત કરાતા સબ્સ્ક્રાઇબર્સમાં ત્રિમાસિક ધોરણે આ ઘટાડો જોવા મળ્યો છે.
ચાલુ વર્ષના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળાના અંતે કંપની પાસે કુલ 221.6 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હતા. સિલિકોન વેલી ટેક ફર્મે તાજેતરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 1.6 બિલિયન ડોલરની આવક નોંધાવી હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1.7 બિલિયન ડોલર હતી. અર્નિંગ કોલ લેટરમાં કંપનીએ સ્વીકાર્યું કે અમે ઈચ્છતા હતા તેટલી ઝડપથી આવક વધી નથી. 2020માં કોરોના અને 2021માં બીજી કોરોનાની લહેરોને કારણે અમારી આશાવાદી વૃદ્ધિ હાંસલ કરી શક્યાં નથી.
એપલ અને ડિઝની પાસેથી ભારે સ્પર્ધાને પગલે નેટફ્લિક્સે ગત વર્ષે શેરિંગ એકાઉન્ટની સુવિધા શરૂ કરી હતી, જેમાં જે-તે યુઝર્સ થોડા વધુ પૈસા આપીને અન્ય કોઈ વ્યક્તિને પોતાનું એકાઉન્ટ વાપરવાની પરવાનગી આપી શકે છે.