અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે પાટીદાર અનામત આંદોલન સમયને હાર્દિક પટેલ અને અન્ય 20 લોકો સામેનો એક કેસ પાછો ખેંચી લેવાની રાજ્ય સરકારની વિનંતી 25 એપ્રિલે ફગાવી દીધી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી ડી મોડે રાજ્ય સરકારની આ અરજી ફગાવી દીધી હતી અને હાર્દિક પટેલ સહિતના તમામ આરોપીએને 2મેએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. હવે તેમની સામે આરોપો ઘડવામાં આવશે.
મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. 20 માર્ચ 2017ના રોજ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં તત્કાલિન કોર્પોરેટર પરેશ પટેલે હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના એ સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે ટોળાં દ્વારા હુમલો કરાયાની ફરિયાદ પણ નોંધાઈ હતી, જેનો કેસ પરત ખેંચવા રાજ્ય સરકારે અરજી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઈ તાજેતરમાં જ રાજ્ય સરકારે વધુ 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી હતી. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે.
વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. તેમની પાટીદારોને અનામત આપવાની માગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં.