પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ચિનાબ નદી પર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાને આ પ્રોજેક્ટ્સને સિંધુ જળ સંધિનું “સીધું ઉલ્લંઘન” ગણાવ્યું છે.
વડાપ્રધાન મોદીએ ઓગસ્ટ 2019માં 370ની કલમ નાબૂદ કર્યા બાદ પ્રથમવાર 25 એપ્રિલે કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે કાશ્મીરમાં ચેનાબ નદી પર આશરે રૂ. 5,300 કરોડના ખર્ચે 850 મેગાવોટનો પ્રોજેક્ટ અને એ જ નદી પર રૂ. 4,500 કરોડથી વધુના ખર્ચે 540 મેગાવોટનો ક્વાર હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે રવિવાર રાતે એક નિવેદનમાં જણાવ્યું કે, 5 ઓગસ્ટ, 2019થી, આંતરરાષ્ટ્રીય સમુદાયનું કાશ્મીરના વાસ્તવિક મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે ભારત દ્વારા આવા અનેક પ્રયાસો જોયા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારત દ્વારા ડિઝાઇન કરાયેલા રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટના નિર્માણ સામે પાકિસ્તાને વાંધો ઉઠાવેલો છે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ અંગે ભારતે પાકિસ્તાન સાથે માહિતી શેર કરવાની તેની સંધિની જવાબદારી હજુ સુધી પૂર્ણ કરી નથી.