અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં ભારતના 18 વર્ષના હાઇસ્કૂલ વિદ્યાર્થીનું ડુબી જવાથી દુઃખદ મૃત્યું થયું હતું. વિદ્યાર્થી નજીકમાં રમતા બાળકો માટે તળાવના ઠંડા પાણીમાં પડી ગયેલો ફૂટબોલ લેવા ગયો હતો. કેરળનો ક્લિન્ટેન જી અજિત સોકરબોલ લેવા માટે શુક્રવારે સાંજે 7 વાગ્યે ન્યૂ મિલફોર્ડના હાર્ડકેસલ પોન્ડમાં ગયો હતો અને બોલ લેવાના પ્રયાસમાં ઠંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
પોલીસને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે ઇમર્જન્સી ઓફિસરને આશરે ત્રણ કલાક બાદ અજિતનો મૃતદેહ મળ્યો હતો. બરો પોલીસે શનિવારની બપોરે અજિતની ઓળખને પુષ્ટી આપી હતી. પોલીસે અજિતના મોતને એક અકસ્માત ગણાવ્યો હતો. ન્યૂ મિલફોર્ડના મેયર માઇકલ પુટ્રિનોએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પરિવારના દર્દને વર્ણવી શકાય તેવા કોઇ શબ્દો નથી.
અજિતનો પરિવાર સપ્ટેમ્બર 2012માં અમેરિકા આવ્યો હતો ત્યારે તેની ઉંમર આઠ વર્ષની હતી. અજિત ન્યૂ મિલફોર્ડ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મીડિયા અહેવાલ મુજબ અજિતનું ડુબી જવાથી મોત થયું હતું તે તળાવ આશરે 12થી 15 ફૂટ ઊંડું છે અને તેમાં સ્વિમિંગ પર પ્રતિબંધ છે. શનિવારે મિત્રો અને અન્ય લોકોએ તળાવ પાસેના નાના મેમોરિયલ ખાતે પુષ્પો મૂકીને અજિતને શ્રદ્ધાંજલિ આપી હતી. પરિવારના મિત્ર ગેબ્રિયલ જ્યોર્જે ગોફંડમી ફંડરેઇઝર કેમ્પેઇનનું આયોજન કર્યું હતું અને રવિવાર સવાર સુધી પરિવાર માટે 50,000 ડોલર એકત્ર કર્યા હતા.