ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થશે તેવી અટકળોને વેગ મળી રહ્યો છે. તાજેતરના સમયગાળામાં આ યુવા નેતા ઘણીવાર કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે અને ભાજપના ગણાય તેવા મુદ્દા ઉઠાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જાણે નવા દુલ્હાની નસબંધી કરાવી દીધી હોય.
જોકે આવી અટકળોને ફગાવી દેતા હાર્દિકે જણાવ્યું હતું કે તેઓ આવી કોઇ યોજના ધરાવતા નથી. લોકો વાતો કરતાં રહેશે. મે અમેરિકાની ચૂંટણીમાં વિજય બદલ જો બાઇનની પ્રશંસા કરી હતી, કારણ કે તેમને ભારતીય મૂળના વાઇસ પ્રેસિડન્ટની પસંદગી કરી હતી. આનો અર્થ એવો થાય છે કે હું બાઇડનની તરફેણ કરી રહ્યો છું.
કોંગ્રેસની નારાજગી અંગેના અહેવાલો વચ્ચે 25 એપ્રિલે તેમણે તાપી જિલ્લાના સોનગઢ ખાતે યુવા સ્વાભિમાન સંમેલનને ભાગ લીધો હતો અને જણાવ્યું હતું કે આજની સભા માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. ગુજરાતના હિત સિવાય કોઈ જ ઉદ્દેશ નથી. આ કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલની પક્ષ સામેની નારાજગી સ્પષ્ટપણે ઉડીને આંખે વળગી હતી. કાર્યક્રમમાં નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરેલો હતો, પરંતુ હાર્દિકે પક્ષનો ખેસ ધારણ કર્યો ન હતો.
હાર્દિક પટેલના વ્હોટ્સએપ પ્રોફાઈલ પરથી તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતાઓને વધુ વેગ મળ્યો હતો, કારણ કે, વ્હોટ્સએપના નવા DPમાં હાર્દિક પટેલ ભગવા ખેસમાં જોવા મળ્યા હતા. હાર્દિકની નારાજગી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અથવા સોનિયા ગાંધી સામે નથી, પરંતુ રાજયની નેતાગીરી સામે છે. હાર્દિક પટેલે ગયા અઠવાડિયે જ પોતાને રામભક્ત ગણાવ્યા હતા. હાર્દિકે પોતાને રામભક્ત ગણાવીને કહ્યું હતું કે, મને હિંદુ હોવા પર ગર્વ છે. તેમણે કાશ્મીરમાંથી 370ની કલમની નાબૂદી માટે ભાજપની પ્રશંસા પણ કરી હતી.