વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાતના દિવસે જ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં લશ્કરે-એ-તોયબાના ઓછામાં ઓછા ત્રણ ત્રાસવાદીને ઠાર કર્યા હતા. પુલવામાના પાહૂ વિસ્તારમાં ગુપ્ત માહિતીને આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સર્ચ ઓપરેશનન સમયે ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ ચાલુ કર્યું હતું. તેનાથી એન્કાઉન્ટર થયું હતું. સુરક્ષા દળોના વળતા ફાયરિંગમાં અત્યાર સુધી ત્રણ ત્રાસવાદીનો સફાયો થયો હતો.
જમ્મુ કાશ્મીરમાંથી 2019માં કલમ 370ને દૂર કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત લીધી હતી અને જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી એક ટનલ અને બે હાઇડ્રોપાવર પ્લાન્ટ્સના એક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આ પછી તેમણે સંબોધનમાં સરકારના વિકાસ કાર્યક્રમની માહિતી આપી હતી. મોદીએ જણાવ્યું હતું કે 2019 પછીથી કાશ્મીર અસાધારણ વિકાસની ગતિ પર છે. અગાઉ શનિવારે જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ કુલગામના મીરહામ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશે-એ-મોહંમદના બે ત્રાસવાદનો સફાયો કર્યો હતો. આ ત્રાસવાદી પાસેથી જંગી માત્રામાં શસ્ત્રો અને દારુગોળા ઝડપાયો હતો.