ભાજપના વડપણ હેઠળની મોદી સરકાર રામ મંદિર, સીએએ, ટ્રિપલ તલાક બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધી રહી હોવાનો સંકેત મળી રહ્યાં છે. મોદી સરકારમાં નંબર ટુનું સ્થાન ધરાવતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નજીકના ભવિષ્યમાં ભાજપશાસિત રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડના સંભવિત અમલનો સંકેત આપ્યો છે.
ભોપાલમાં ભાજપના કાર્યાલયમાં કોર કમિટીની બેઠકમાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘સીએએ, રામ મંદિર, કલમ 370 અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાનો ઉકેલ આવ્યો છે. હવે કોમન સિવિલ કોડ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો સમય છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે ઉત્તરાખંડમાં કોમન સિવિલ કોડનો અમલ કરવામાં આવશે. તે માટેનો મુસદ્દો તૈયાર થઈ રહ્યો છે. સમય જતાં બધુ વ્યવસ્થિત થઈ જશે. તમારે (પક્ષના કાર્યકારો)એ એવા કોઇ કાર્યમાં સામેલ ન થવું જોઇએ, જેથી કોઇપણ રીતે પક્ષને નુકસાન થાય.
આ બેઠકમાં ભાજપના મધ્યપ્રદેશના પ્રદેશપ્રમુખ વીડી શર્મા, મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટીના બીજા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. અમિત શાહે શુક્રવારે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના વિમાનમાં દિલ્હી પરત આવ્યા હતા. તેમની સાથે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંઘિયા અને સાંસદ રાકેશ સિંહ પણ હતા.
અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપશાસિત રાજ્યોમાં સમાન નાગરિક સંહિતાનાનો કાયદો લાવીશું. ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતાનો અમલ કરવાની જાહેરાત કરી હતી. હવે વિધાનસભામાં તેને બહાલી આપીને કાયદો બનાવવામાં આવશે. ધીમે ધીમે બીજા રાજ્યોમાં પણ આ કાયદો અમલ કરવામાં આવશે. કોંગ્રેસે દેશને માત્ર સમસ્યાઓ આપી છે. તેની હાલત નજર કરો, ક્યાં હતી અને ક્યાં પહોંચી છે. રાહુલ બાબા ટૂંકસમયમાં કોંગ્રેસના અધ્યક્ષ બનવાથી ચૂંટણી જીતવાનું સરળ બની જશે. 2018માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન એવા કેટલાંક મુદ્દા ઊભા થયા હતા કે આપણે મધ્યપ્રદેશમાં ચૂંટણી હારી ગયા હતા. પરંતુ હવે 2023ની ચૂંટણી જીતવાના કામે લાગી જાઓ. જે બુથ નબળા હોય તેના પર કામે લાગી જાઓ. ભાજપના કાર્યાલયમાં અમિત શાહે બે કલાકનો સમય વિતાવ્યો હતો. આ પહેલા સંમેલન સ્થળે એક્ઝિબિશન જોયું હતું તથા મંત્રીઓ અને નેતાઓ સાથે બેઠક કરી હતી.
યુનિફોર્મ સિવિલ કોડ ઘણા વર્ષો સુધી ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય મુદ્દો રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરઆરએસ) પણ પણ યુનિફોર્મ સિવિલ કોડની જોરદાર તરફેણ કરે છે.
સમાન નાગરિક સંહિતા શું છે?
યુનિફોર્મ સિવિલ કોડના અમલ પછી લગ્ન, છૂટાછેડા, વારસો જેવા મુદ્દા દેશમાં એક જ કાયદા હેઠળ આવશે. આ મુદ્દા પર ધર્મને આધારે કાયદા અલગ અલગ નહીં હોય. બંધારણની કલમ 44 હેઠળ સત્તાધારી સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરી શકે છે. જોકે તે માટે સંસદની મંજૂરી જરૂરી છે.