યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભવિષ્યમાં ભારત સામેના દરેક સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવા આર્મીના ટોચના કમાન્ડરોને હાકલ કરી છે. તેમણે પરંપરાગત અને બિનપરંપરાત યુદ્ધ સહિતના તમામ સુરક્ષા પડકારો માટે સજ્જ રહેવાની સૂચના આપી હતી.
રાજનાથ સિંહે સોમવારે ચાલુ થયેલી આર્મી કમાન્ડર્સની દ્વિવાર્ષિક કોન્ફન્સમાં આ ટીપ્પણી કરી હતી. તેમણે કોઇ પણ સંભાવનાનો સામનો કરવા માટેની ઓપરેશનલ તૈયારી માટે આર્મીની પ્રશંસા પણ કરી હતી. આ કોન્ફરન્સમાં આર્મી કમાન્ડરોએ ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પરના રાષ્ટ્રીય સુરક્ષા પડકારોની વિગતવાર સમીક્ષા કરી હતી તથા રશિયા-યુક્રેન યુદ્ધની સંભવિત ભૂરાજકીય અસરોનું પણ વિશ્લેષણ કર્યું હતું.
રાજનાથે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આજે આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. ઓપરેશનલ સજ્જતા અને ક્ષમતા માટે ઇન્ડિયન આર્મીને અભિનંદન આપ્યા હતા તથા આર્મીના વડાઓને ભવિષ્યના દરેક પડકારો માટે તૈયાર રહેવાની સૂચના આપી હતી. આર્મીએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાને રાષ્ટ્રના નિસ્વાર્થી અને અડગ સેવા તથા સ્વદેશીકરણ મારફત આધુનિકરણના અથાક પ્રયાસો માટે લશ્કરી દળોની પ્રશંસા કરી હતી.
કમાન્ડરોએ ચીન સાથે 3,400 કિમી લાંબી વાસ્તવિક અંકુશ રેખા પર ભારતની આર્મીની સજ્જતાની પણ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભારત અને ચીન વચ્ચે લશ્કરી મડાગાંડ અને પૂર્વ લડાખમાં સરહદ વિવાદ વચ્ચે આ સમીક્ષા કરવામાં આવી હતી.