દિલ્હીના હિંસાગ્રસ્ત જહાંગીરપુરી વિસ્તારમાં તોફાનીઓની ગેરકાયદેસરની સંપત્તિ પર બુઝડોઝર ફેરવીને ડેમોલિડેશન અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે જમિયત ઉલેમા-એ-હિન્દની અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ આકરી કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે મુસ્લિમ આરોપીની સંપત્તિ પર બુઝડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.
ચીફ જસ્ટિસ એન વી રમનાની બનેલી ખંડપીઠે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. જોકે સત્તાવાળાએ એવું કારણ આગળ ધરીને બુઝડોઝર ફેરવવાનું ચાલુ રાખ્યું હતું કે તેમને કોઇ સત્તાવાર માહિતી મળી નથી. તેથી સુપ્રીમ કોર્ટે એક જ દિવસમાં બીજી વખત દરમિયાનગીરી કરવી પડી હતી. સુપ્રીમ કોર્ટે બુલડોઝર પર બ્રેક મૂકતા તેના સવારના આદેશની માહિતી તાકીદે નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, કમિશનર અને દિલ્હી પોલીસ કમિશનરને આપવાની તાકીદ કરી હતી. આમ સુપ્રીમ કોર્ટની બે વખતની દરમિયાનગીરી પછી સત્તાવાળાના બુલડોઝર અટક્યા હતા. મુસ્લિમ સંસ્થા વતી સિનિયર એડવોકેટે કોર્ટમાં આવીને ફરજિયાદ કરી હતી કે સુપ્રીમ કોર્ટે યથાવત સ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હોવા છતાં સત્તાવાળાએ ડેમોલિશન કાર્યવાહી બંધ કરી નથી. નોર્થ દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જયંતીના શોભાયાત્રામાં મુસ્લિમ વિસ્તારોમાં પથ્થરમારો થયો હતો અને તેનાથી હિંસા ફાટી નીકળી હતી.