યુકેની મેડિસિન રેગ્યુલેટર મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) એ ‘વાલ્નેવા’ વેક્સીનને કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે નવી રસી તરીકે મંજૂરી આપી છે. તમામ પ્રકારના વાઇરસને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરતી કોવિડ રસી હતી તરીકે દેશમાં મંજૂરી મેળવનાર પ્રથમ રસી બની છે.
MHRAએ જણાવ્યું હતું કે વાલ્નેવા રસી મંજૂર કરનાર યુકે વિશ્વમાં પ્રથમ છે. આ પ્રકારની રસી માટે વાઇરસને લેબમાં ઉગાડવામાં આવે છે અને પછી તેને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવામાં આવે છે જેથી તે કોષોને સંક્રમિત ન કરી શકે અથવા શરીરમાં તેની નકલ ન કરી શકે. જો કે તેમ છતાં તે કોવિડ-19 વાઇરસ સામે રોગપ્રતિકારક પ્રતિભાવને ટ્રિગર કરી શકે છે.
બે ડોઝ તરીકે આપવા માટે ડિઝાઇન કરાયેલી વાલ્નેવા રસી 18 થી 50 વર્ષની વયના લોકોમાં ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 28 દિવસનું અંતર રાખવું જરૂરી છે. વાલ્નેવા રસીમાં વપરાતી પ્રક્રિયા ફલૂ અને પોલિયો રસીના ઉત્પાદનમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
વાલ્નેવા રસી માટે ફ્રીજનું તાપમાન 2થી 8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય તે જરૂરી છે. રસીને સ્કોટલેન્ડમાં એડિનબરા નજીક લિવિંગસ્ટનમાં વાલ્નેવા ફેક્ટરીમાં બનાવવામાં આવી છે.