વડા પ્રધાન બોરિસ જૉન્સનની ભારતની બે મુલાકાતો આ અગાઉ રદ થઇ ચૂકી છે અને વડા પ્રધાન તરીકે ભારતની આ પ્રથમ મુલાકાત છે.
જૉન્સન મૂળરૂપે ગયા વર્ષે જાન્યુઆરી 2021માં ભારતની મુલાકાત લેવાના હતા, પરંતુ કોરોનાવાઇરસના આલ્ફા વેરિન્ટની બીજી લહેર યુકેમાં પ્રવેશી હોવાથી તે મુલાકાત રદ કરવામાં આવી હતી.
તે પછી 10 ડાઉનીંગ સ્ટ્રીટ દ્વારા ગયા વર્ષે એપ્રિલ 2021માં મુલાકાતને ફરીથી શેડ્યૂલ કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ભારતમાં ડેલ્ટા વેરિયન્ટના પ્રકોપના કારણે તે મુલાકાત ટૂંકી નોટીસ પર રદ કરવામાં આવી હતી.
જૉન્સન તે મુલાકાત મુલતવી રાખવા માટે અનિચ્છા ધરાવતા હતા. તે સમયે એવા આક્ષેપો થયા હતા કે સરકારે ભારતને રેડ લીસ્ટ દેશોમાં સમાવવા માટે વધુ સમય માટે વિલંબ કર્યો હતો, કેમ કે જૉન્સન તેમની ભારત મુલાકાતને જોખમમાં નાખવા માંગતા ન હતા.
તે સમયે ભારતથી પાછા ફરતા લોકોને 10 દિવસ માટે હોટલમાં ક્વોરેન્ટાઈન કરવું પડતું હતું.