ક્લેમેન્ટ એટલી અને વિન્સ્ટન ચર્ચિલ પાંત્રીસ વર્ષો સુધી પોતાના પક્ષોના નેતાઓ રહ્યા હતા અને તેમની વચ્ચે ઘણાં લાંબા સમય સુધી હરિફાઇ ચાલતી રહી હતી. તેમની વચ્ચે ક્યારેય જોડાણ કે મિત્રતા જેવુ કશું જ ન હતુ. બ્રિટનની બે અત્યંત મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી સામાન્ય ચૂંટણીઓમાં બન્ને નેતાઓએ એક બીજાનો સામનો કર્યો હતો. પરંતુ બીજા વિશ્વયુદ્ધના મંડાણ થતાં જ વિરોધ, મતભેદ અને નારાજગી હોવા છતાય તેઓ સાથે આવ્યા હતા અને તેમણે એક એવી ભાગીદારી બનાવી હતી જે પાર્ટીની લાઇનને પણ વટાવી ગઈ હતી અને બ્રિટને બીજા વિશ્વયુધ્ધમાં ઝળહળતી સફળતા મેળવી હતી.
વિન્સ્ટન ચર્ચિલના સ્ટેટ ફ્યુનરલ વખતે એક પોલબેરર તરીકે તેમના યુદ્ધના સમયના ડેપ્યુટી ક્લેમેન્ટ એટલી રહ્યા હતા. એટલી જ ચર્ચીલના કોફીનને સેન્ટ પોલ કેથેડ્રલના પગથિયા તરફ લઇ ગયા હતા. ચર્ચિલે જ એટલીને આ કાર્ય કરવા કહ્યુ હતુ અને એટલીએ તબિયત ખરાબ હોવા છતાં ચર્ચીલને આ સન્માન આપ્યુ હતુ.
બંને નેતાઓએ ક્રોસ-પાર્ટી ગઠબંધન બનાવ્યું હતુ, જેણે દેશને નાઝિઝમના જોખમથી બચાવ્યો હતો. યુદ્ધ પછીના બ્રિટનમાં સત્તા પર પ્રભુત્વ મેળવવા માટે તેઓ એક બીજા સામે ચૂંટણી લડ્યા હતા. પાંચ વર્ષની યુદ્ધ સમયની ભાગીદારી અને ત્યાર બાદ એક દાયકાની લાંબી રાજકીય સ્પર્ધાનુ પુનરાવર્તન ભવિષ્યમાં થવાની કોઇ સંભાવના નથી.
પુસ્તકમાં લેખક લીયો મેક’કિન્સ્ટ્રેએ ચર્ચિલના પ્રભાવશાળી, રમૂજી, આવેગજન્ય, ઇરેટીક ગુણો વિષે અને હંમેશાં કોઈપણ રૂમમાં સૌથી મોટુ પાત્ર દેખાવાના પ્રયાસોનો સુંદર ઉલ્લેખ કર્યો છે. સામે પક્ષે એટલી શરમાળ, સુકા, શાંત, સાવધ, સમોવડીયા, વ્યવસ્થિત, બિનસંવેદનશીલ અને કદી મનમોહક વક્તા ન હતા છતાં તેઓ ચર્ચીલના હરીફ બની રહ્યા હતા તે બખૂબી જણાવ્યુ છે.
ચર્ચીલ રાજકારણનો માણસ હતા, પરંતુ રોમેન્ટિક સ્વભાવના હતા. ચર્ચિલનુ ઉડાઉપણુ ઘણી વાર નાદારી તરફ લઇ જતુ. તેમને ફ્રેન્ચ રિવેરા પર રજા માણવાનુ કે શરાબનું અતિશય સેવન કરીને મોડે સુધી બેસવાનું પસંદ હતું. તો સામે પક્ષે એટલીનું પ્રિય સાંજનું પીણું કોકો હતુ જે તેઓ પત્ની વાયોલેટ સાથે બેસીને પીતા.
ચર્ચિલ નાનપણથી જ માનતા કે તેઓ “નિયતિ સાથે ચાલ્યા” છે. તેમને વડા પ્રધાન પદ મળ્યું તેનુ આશ્ચર્ય નહતુ પણ આટલી લાંબી રાહ જોવી પડી તેનુ જરૂર હતુ. 1945માં એટલીએ ચૂંટણીમાં લેબરને લેન્ડસ્લાઇડ જીત અપાવી સરકારની અધ્યક્ષતા સંભાળી હતી જેણે બ્રિટનને આવનારા દાયકાઓ માટે બદલી કાઢ્યુ હતુ. બંને નેતાઓને તેમના દેશ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, બંનેનુ લગ્નજીવન ઘણુ મજબૂત હતુ જેણે તેમની કારકીર્દિને ટકાવી રાખી હતી. બંને ‘એક્સીડેન્ટલ લીડર્સ’ હતા.
એટલીએ ચર્ચિલના સમાજવાદ સામેના અગાઉના ક્રૂસેડના કારણે પોતાની પાર્ટીમાં પ્રતિકારનો સામનો કર્યો હતો. યુદ્ધના સૌથી ભયંકર પ્રકરણો દરમિયાન પણ જ્યારે બ્રિટનને ફક્ત હારનો જ ખ્યાલ હતો અને ટોરી ષડયંત્રકારોએ ચર્ચિલને બદલવાની યોજના ઘડી હતી ત્યારે એટલી કટ્ટર વફાદાર બનીને ઉભા રહ્યા હતા. વિચારધારા કે મતભેદો હોય છતાં પણ કપરી પરિસ્થિતીમાં સમભાવ અને સહકાર કઇ રીતે કેળવવો તે આ પુસ્તકમાં ખૂબ જ સુંદર રીતે દર્શાવાયુ છે.
પુસ્તક સમીક્ષા
- શાનદાર… રાજકારણમાં સહકાર, છૂટ અને સમાધાનની આવશ્યકતા વિશે સમયસરની ઉપમા રજૂ કરાઇ છે. – ડેઇલી મેઇલ, ‘બુક ઓફ ધ વીક’
- આ પુસ્તક સી ઓફ ચર્ચિલિઆનામાં લેબર નેતા સાથે વિન્સ્ટનની નજીકની યુદ્ધ સમયની ભાગીદારી નજરે પડે છે. – ડેઇલી ટેલિગ્રાફ, ’50 શ્રેષ્ઠ પુસ્તકો 2019
- એટલી અને ચર્ચિલ ખરેખર એક જટિલ પરંતુ આકર્ષક સંબંધના હૃદય સુધી પહોંચે છે. – સ્કોટ્સમેન
Book: Attlee and Churchill Allies in War, Adversaries in Peace
Author: Leo McKinstry
Publisher: Atlantic Books
Price: £10.99