એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ હવે 1000 કરોડની કમાણી કરનાર ફિલ્મોની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.રામચરણ તેજા અને જુનિયર એનટીઆર અભિનિત ફિલ્મ તમામ રેકોર્ડ તોડી રહી છે. અગાઉ આમિર ખાનની દંગલ અને પ્રભાસની ફિલ્મ બાહુબલી 1000 કરોડની ક્લબમાં સામેલ થઇ છે.બાહુબલીએ 1800 કરોડની લાઈફ ટાઈમ કમાણી કરી હતી.જ્યારે દંગલે રૂ. 2024 કરોડની કમાણી કરી હતી.
RRRના કારણે જોન અબ્રાહમની ફિલ્મ એટેક સુપર ફ્લોપ સાબિત થઈ છે. RRRનું હિન્દી વર્ઝન પણ રૂ. 213 કરોડથી વધુ રકમની કમાણી કરી ચૂક્યું છે.
આ ફિલ્મે માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં બોક્સ ઓફિસના કેટલાય રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે. ઓસ્ટ્રેલિયામાં પણ તે 32.21 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરની કમાણી સાથે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી ધરાવતી ભારતીય ફિલ્મ બની ચુકી છે. અગાઉ આ રેકોર્ડ શાહિદ કપૂરની ‘પદ્માવત’ ના નામે નામે હતો, જેણે 31.63 લાખ ડોલરની કમાણી કરી હતી.
આરઆરઆરએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ફિલ્મોની કમાણીના પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ આમિર ખાનની દંગલે 26 લાખ ડોલરની કમાણી કરી હતી. રણબીર કપૂરની સંજૂએ 24 લાખની કમાણી કરી હતી. રાજમૌલીની જ અગાઉની ફિલ્મ બાહુબલી ટૂ એ પણ 24 લાખની કમાણી કરી હતી. ઓસ્ટ્રેલિયન બોક્સ ઓફિસના વિશ્લેષકો કહે છે કે આરઆઆરની કમાણી હજુ પણ વધી શકે છે.
ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલો અનુસાર આરઆરઆર રિલીઝના પ્રથમ જ સપ્તાહમાં જ કમાણી કરવાના રેકોર્ડમાં બેટમેન પછી બીજા નંબરની વિદેશી ફિલ્મ બની છે. એક ભારતીય ફિલ્મ માટે આ વિશેષ માઈલસ્ટોન છે કારણ કે ઓસ્ટ્રેલિયન બોક્સ ઓફિસ પર હોલિવૂડની ફિલ્મોનું વધારે પ્રભુત્વ છે. બેટમેન એ અત્યાર સુધીમાં 35 લાખ ડોલરથી વધુની કમાણી કરી છે. ઓસ્ટ્રેલિયામાં વિદેશી ફિલ્મોની કેટેગરીમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ અત્યાર સુધીમાં ક્રાઉચિંદ ટાઇગર, હિડન ડ્રેગન નો છે, તેણે ઓસ્ટ્રેલિયામાં 1.12 કરોડ ડોલરની કમાણી કરી હતી. આ ઉપરાંત કોરિયન ફિલ્મ પેરેસાઇટ 59 લાખ ડોલર અને ફ્રેંચ ફિલ્મ એમિલી 72 લાખ ડોલરની કમાણી સાથે આ યાદીમાં મોખરાના સ્થાને છે. આરઆરઆર ઓસ્ટ્રેલિયામાં હિન્દી ઉપરાંત તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાઓમાં 133 સ્ક્રીન પર રજૂ થઇ છે. તેથી આ વર્ષે બીજી ભારતીય ફિલ્મો પણ ઓસ્ટ્રેલિયન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.