વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન મંગળવારે જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન (WHO)ના તેના પ્રકારના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ જુગનાથ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગેબ્રેયેસસ ઉપસ્થિત રહ્યાં હતા.
જામનગર આયુર્વેદિક ઔષધીનું કેન્દ્ર બનશે
જામનગર ખાતે વર્લ્ડ WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) પરંપરાગત ઔષધીઓ માટેનું એક નોલેજ સેન્ટર છે. જામનગર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) સમગ્ર વિશ્વમાં આયુર્વેદિક પ્રણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેનાથી પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધિનું મુખ્ય મથક બનશે. આ સેન્ટર મારફત પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વનાં તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઊભરી આવશે. આ સેન્ટર ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથક્કરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે. કેન્દ્રીય આયુષ પ્રધાન સર્બાનંદ સોનાવાલે જણાવ્યું હતું કે ગ્લોબલ સેન્ટરફોર ટ્રેડિશન મેડિસિન અને ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ (GAIIS) ભારતના આયુષ ઉદ્યોગ માટે એક મહત્ત્વનો સિમાચિહ્ન બનશે. તેનાથી ભારતને આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ્સ માટેનું વૈશ્વિક બજાર ઊભું કરવાની તક મળશે.
WHOના વડાએ ગુજરાતીમાં લોકોનું અભિવાદન કર્યું
WHOના વડા ડો. ટેડ્રોસ ગેબ્રેયેસસે ગુજરાતીમાં સંબોધન ચાલુ કરીને લોકોને પૂછ્યું, ‘કેમ છો? ગુજરાતમાં આવીને મને બહુ મજા આવી.’ તેમણે જણાવ્યું હતું કે હવે આખી દુનિયા જામનગર અને ભારતમાં આવશે અને પરંપરાગત દવાઓ દ્વારા જામનગર અને ભારત પણ આખી દુનિયામાં પહોંચશે.
તેમણે ભારત સાથેના જોડાણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ‘ભારતના શિક્ષકો પાસેથી બાયોલોજી ભણવાનો મોકો મળ્યો હતો. તેમણે જ ભારતની પરંપરાગત દવાઓ વિશે સમજ આપી હતી. બાળપણમાં બોલીવુડની ફિલ્મો જોતો, જેમાં મધર ઈન્ડિયા આજે પણ મને યાદ છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જામનગરમાં હવે આયુર્વેદના વિશ્વભરના ચિકિત્સકો, વિદ્વાનો અને વૈજ્ઞાનિકો આવી તેમના જ્ઞાનનો લાભ ગુજરાત અને દેશની જનતાને આપશે.
મોદી જામ સાહેબ અને મુકેશ અંબાણીને મળ્યા
વડાપ્રધાન મોદીએ જામનગરના પાયલોટ બંગલે રાજવી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. તેમણે જામનગર સર્કિટ હાઉસમાં જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જામ સાહેબની ખ્યાતિ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને યુરોપમાં ફેલાયેલી છે. જામનગરમાં મને જામ સાહેબ શ્રીશત્રુશલ્યસિંહજીને મળવાની મોકો મળ્યો. અમે જૂની યાદો ફરી તાજી કરી હતી.