વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર (18 એપ્રિલ)એ ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર (અગાઉનું નામ મોનિટરીંગ એન્ડ કમાન્ડ સેન્ટર ફોર સ્કૂલ)ની મુલાકાત લઈને ડિજિટલ અને ફિઝિકલ એજ્યુકેશનના સમન્વયની વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યા બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતમાં હંમેશા કાંઈક નવું કરવાની વિશેષતા રહેલી છે. ગુજરાત જે નવું કરવાનો પ્રયાસ કરે છે એ ભવિષ્યમાં દેશ માટે મોડેલ પુરવાર થાય છે.
ગાંધીનગરના ખાતેના આ વૈશ્વિક સ્તરના પ્રોજેક્ટ અંગે ઉપસ્થિત તજજ્ઞો સાથે ચર્ચા કર્યા બાદ વડાપ્રધાન મોદીએ પ્રશ્ન કર્યો હતો કે, દેશના અન્ય રાજ્યો ગાંધીનગરના આ મોડેલને અનુસરે છે કે કેમ? વડાપ્રધાનને જણાવવામાં આવ્યું હતું કે, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડીશા, ઝારખંડ ઉપરાંત દિલ્હીની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન(સીબીએસઈ) આ મોડેલને લાગુ કરવા પ્રયત્ન કરી રહી છે, એટલું જ નહીં, વર્લ્ડ બેન્કની ટીમ દ્વારા આ સેન્ટરને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટીસ તરીકે સ્વીકૃતિ આપવામાં આવી છે અને એ અંગેના એમઓયુ નજીકના ભૂતકાળમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે થઈ ચૂક્યા છે.