ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ યુવા કેપ્ટન અઝીમ રફીક સામેના રેસિઝમ વિવાદમાં યોર્કશાયરના ગેરી બેલેન્સ, મેથ્યુ હોગાર્ડ, એન્ડ્ર્યુ ગેલ અને ટીમ બ્રેસનન સહિત 12 ભૂતપૂર્વ સ્ટાફ સામે પગલે લેશે એવી જાહેરાત ગયા સપ્તાહે કરાઈ હતી.

તેમની સામેના આરોપો ECBના ભેદભાવ વિરોધી કોડના ભંગ અને ક્રિકેટની રમતને બદનામ કરવા પર કેન્દ્રિત હશે. માર્ચ 2020માં, ભૂતપૂર્વ ખેલાડી રફીકે આરોપ મૂક્યો હતો કે ઇંગ્લિશ ક્લબમાં તેના રેસિઝમના અનુભવોએ તેને આપઘાત કરવાની મનોસ્થિતિમાં મૂકી દીધો હતો. 31 વર્ષના રફીકે 2018માં યોર્કશાયર અને ક્રિકેટ બન્ને છોડી દીધા હતા.

પાકિસ્તાનમાં જન્મેલા સ્પિનર રફીકે કહ્યું હતું કે તેને લાગ્યું હતું કે એક મુસ્લિમ તરીકે, તેને “આઉટસાઇડર” જેવો અનુભવ કરાવાયો હતો. ઇંગ્લિશ ક્રિકેટ ‘સંસ્થાકીય રીતે’ રેસિસ્ટ (વંશવાદી) છે. તે સ્થાનિક કાઉન્ટી તરફથી રમતા આઠ વર્ષ દરમિયાન નિયમિત રીતે રેસિસ્ટ દુર્વ્યવહારનો ભોગ બન્યો હતો, જેમાં તેને ‘પાકિ’ અને ‘હાથી ધોનાર’ કહેવાયો હતો.