યુકેના સાંસદ તનમનજીત સિંઘ ઢેસી શનિવાર, 15 એપ્રિલે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત સિંઘ માનને ચંદીગઢમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. એક કલાક લાંબી આ બેઠકમાં બિનનિવાસી ભારતીયો સંબંધિત શ્રેણીબદ્ધ મુદ્દાની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢા, અમૃતસર સાઉથના ધારાસભ્ય ડો. ઇન્દરબિર સિંઘ નિજ્જર અને ઢેસીના પિતા જસપાલ સિંહ ઢેસી ઉપસ્થિત રહ્યાં હતા.
જમીન વિવાદના કેસો, બ્લેકલિસ્ટેડ વ્યક્તિઓ, રાજકીય કેદીઓ સહિતના મુદ્દાની ચર્ચા
સાંસદ ઢેસીએ જણાવ્યું હતું કે હું માનનીય મુખ્યપ્રધાનનો આભાર માનું છું. સાંસદ ચઢા અને ધારાસભ્ય નિજ્જરે પણ તેમનો મૂલ્યવાન સમય આપ્યો હતો. તેનાથી અમે જમીન વિવાદના કેસો, બ્લેકલિસ્ટ કરાયેલા વ્યક્તિઓ, રાજકીય કેદીઓ, એનઆરઆઇના સીધા વિદેશી રોકાણને આકર્ષવા માટે વધુ સારા કાયદા અને નીતિઓ સહિતના પંજાબી ડાયાસ્પોરા સંબંધિત મુદ્દાની ચર્ચાવિચારણા કરી શક્યા હતા. અમે ખાસ કરીને લંડન, બર્મિંગહામ અને બીજા શહેરોની ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટ મારફત વધુ સારી કનેક્ટિવિટી ઊભી કરીને કાર્ગો, વેપાર અને પ્રવાસનમાં વધારો કરવા મહત્ત્વ પર પણ ચર્ચા કરી હતી.
ઢેસીએ વધુમાં જણાવ્યું હતું કે ડાયસ્પોરા ઇચ્છે છે કે તેમને વારસામાં મળેલી જમીનનો વિકાસ થાય છે. મુખ્યપ્રધાને મને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મુદ્દાના ઉકેલ માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે, જેનાથી સહકાર અને પ્રગતિમાં વધારો થશે.