યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત દરમિયાન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે, એમ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા શહેરની મુલાકાત લે તેવી શક્યતા સેવાઇ રહી છે.
ભારતને ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવતા જોન્સન કહ્યું હતું કે, “હું આ વર્ષે ભારત આવવાની રાહ જોઈ રહ્યો છું, જેથી અમારી મિત્રતા મજબૂત બને,અમે અમારા સંબંધોને આગળ લઈ જઈ શકીએ, જેનો વડાપ્રધાન મોદી અને મે સંકલ્પ કર્યો હતો.”
જોન્સન અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લે તેવી સંભાવના છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન નવેમ્બર મહિનામાં ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર કલાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં મળ્યા હતાં. બ્રિટીશ વડાપ્રધાનની મુલાકાતનું અંતિમ શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું હોવા છતાં, જોન્સન તેમની દિવસભરની અહીંની મુલાકાત દરમિયાન અમદાવાદ અને વડોદરાની મુલાકાત લે તેવી શક્યતા છે. જોન્સન વડોદરા નજીક બ્રિટિશ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઉત્પાદક JCBની નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.