ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 1,007 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. તેનાથી કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને આશરે 4.30 કરોડ થઈ હતી અને કુલ મૃત્યુઆંક વધીને 5,21,737 થયો હતો. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 11,058 થઈ હતી, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
હાલમાં એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના 0.03 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.76 ટકાએ સ્થિર રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 188નો વધારો થયો છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 0.23 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.25 ટકા રહ્યો હતો. દેશમાં મહામારી પછીથી અત્યાર સુધી આશરે 4.25 કરોડ કરોડ લોકો કોરોનાથી રિકવર થયા છે. કોરોનાનો મૃત્યુદર 1.21 ટકા રહ્યો છે. કોરોના રસીકરણ અભિયાનના પ્રારંભ પછીથી અત્યાર સુધી વેક્સિનના આશરે 186.22 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 19 ડિસેમ્બરે એક કરોડનો આંક વટાવી ગઈ હતી, આ પછી ગયા વર્ષે 23 જૂન કુલ કેસની સંખ્યા ત્રણ કરોડનો આંક વટાવી ગઈ હતી.