ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ દેશના મહારાણી કરતાં વધુ ધનિક છે. અક્ષતાના પિતા એનઆર નારાયણ મૂર્તિની કુલ સંપત્તિ £3 બિલિયનથી વધુ છે. તેમણે 1981માં ઈન્ફોસિસની સ્થાપના કરી હતી અને 21 વર્ષ સુઘી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કન્સલ્ટિંગ અને IT સર્વિસિસ જાયન્ટ તરીકે તેનો વિકાસ કર્યો હતો. જેનું માર્કેટ કેપિટલાઇઝેશન £78 બિલિયન છે. ઈન્ફોસિસમાં અક્ષતાનો હિસ્સો 0.91 ટકા છે જેનું મૂલ્ય લગભગ £700 મિલિયન છે.
અક્ષતા અને સુનક ચાર મિલકતોના માલિક છે. 2015માં સાંસદ બન્યા ત્યારે તેમણે નોર્થ યોર્કશાયરના રિચમન્ડમાં તેમના મતવિસ્તારમાં 12 એકરનું જ્યોર્જિયન મેન્શન ખરીદ્યું હતું. તેઓ લંડનના કેન્સિંગ્ટનમાં £7 મિલિયનનું મ્યુઝ હાઉસ, સાઉથ કેન્સિંગ્ટનમાં એક ફ્લેટ ધરાવે છે. તેઓ અમેરિકાના કેલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં £5 મિલિયનનું પેન્ટહાઉસ ધરાવે છે.
તેઓ કેલિફોર્નિયામાં સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતી વખતે મળ્યા હતા. તેમણે 2009માં લગ્ન કર્યા હતા. સુનક અને અક્ષતા બે પુત્રીઓ અને એક લેબ્રાડોર સાથે હાલ ડાઉનિંગ સ્ટ્રીટમાં રહે છે.