સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર સાઉથ ઇસ્ટ લંડનના કિડબ્રુકની 28 વર્ષીય સબિના નેસાની જાતીય ગુનો કરવાના ઇરાદે હત્યા કરનાર ટર્મિનસ રોડ, ઈસ્ટબોર્નના કોસી સેલમાજ નામના યુવાનને આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી. તેને ગત ફેબ્રુઆરીમાં ઓલ્ડ બેઈલી ખાતે હત્યા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
17 સપ્ટેમ્બર 2021ના રોજ રાત્રે ઈસ્ટબોર્નથી કિડબ્રુકના કેટર પાર્ક સુધી મુસાફરી કરીને આવેલા કોસી સેલમાજે સબીનાને પાર્કમાં પ્રવેશતી જોઇને જાતીય પ્રેરિત હુમલો કર્યો હતો. જજે કહ્યું હતું કે સેલમાજે ‘એકદમ ભયાનક હત્યા’ કરી હતી અને ઓછામાં ઓછા 36 વર્ષની કેદ તેણે જેલમાં ભોગવવી પડશે.
તપાસનું નેતૃત્વ કરનાર ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર નીલ જ્હોને કહ્યું: “સેલમાજ એક ખતરનાક અને હિંસક અપરાધી છે અને તેના જઘન્ય કૃત્યો માટે કોઈ પસ્તાવો કર્યો નથી. તેણે પૂર્વયોજિત અને ઘાતકી હત્યા કરી હતી અને તેના માટે તે તેના જીવનનો મોટો ભાગ જેલમાં વિતાવશે. સબીનાના પરિવારના જીવન પર વિનાશક અસર પડી હતી.’’
18 સપ્ટેમ્બર 2021ના રોજ સાંજે 5.20 કેટર પાર્કમાં લાંબા ઘાસથી આંશિક રીતે ઢંકાયેલી લાશ મળી આવી હતી. મેટના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડની આગેવાની હેઠળ હત્યાની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પીડિતાની ઓળખ બેડફર્ડશાયરની શિક્ષિકા સબીના નેસા તરીકે થઈ હતી.
સબીના કિડબ્રુક વિલેજના બારમાં મિત્રને મળવા માટે ગઇ હતી અને પાર્કમાંથી ઘરે પરત થતી હતી ત્યારે હત્યારાએ તેના પર હુમલો કર્યો હતો અને રોડ પર વપરાતી લોખંડની ત્રીકોણ આકારની વોર્નીંગ સાઇનનો ઉપયોગ કરી સબીનાના માથા પર એક પછી એક 34 વખત ઇજા કરી ધરાશાયી કરી નાંખી હતી. તે પછી તેણીને બેભાન અવસ્થામાં જ પાર્કમાં ઝાડીઓ વચ્ચે ખેંચી ગયો હતો. લગભગ દસ મિનિટ પછી, તે સીસીટીવી કેમેરામાં ફરી દેખાયો હતો અને ફ્લોર પરથી હત્યા માટે વાપરેલા હથિયારના ટુકડાઓ ઉપાડી ટીસ્યુ વડે બેન્ચને સાફ કરી હતી.
મેટ પોલીસના અધિકારીઓએ સેંકડો કલાકોના CCTV ફૂટેજ ચેક કર્યા હતા અને તેની કારના આધારે તેને શોધી કાઢી 26 સપ્ટેમ્બરના રોજ ઘરેથી ધરપકડ કરી હતી. CCTVમાં જોવા મળેલા કપડાં જેવાં જ કપડા તેના ઘરેથી મળી આવ્યા હતા. લોહીના ડાઘાવાળા ટ્રેનર્સ પણ જપ્ત કરાયા હતા. જે લોહી સબીનાના ડીએનએ સાથે મેચ થયું હતું. પોલીસે સબીનાની હત્યા માટે વાપરેલ લોખંડની ત્રિકોણ આકારની વોર્નીંગસાઇન નદીમાંથી કબ્જે કરી હતી.
પોલીસના તમામ ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે મૌન રહેવાનું પસંદ કર્યું અને તેણે સબીનાની હત્યા શા માટે કરી અથવા ગુનો કરવા માટે તેણે તેના ઘરથી આટલી દૂર કેમ મુસાફરી કરી તે અંગે ક્યારેય કોઈ સ્પષ્ટતા કરી નહતી પણ શુક્રવાર, 25 ફેબ્રુઆરીએ તેણે હત્યાનો ગુનો કબૂલ્યો હતો.