- અસજદ નઝીર દ્વારા
2022ની શાનદાર સંગીત સિદ્ધિ એ છે કે ભારતીય મૂળના ફાલ્ગુની શાહે બાળકો માટેના તેના બીજા આલ્બમ ‘એ કલરફુલ વર્લ્ડ’ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. આ અગાઉ તેના પ્રથમ આલ્બમ ફાલુ’ઝ બજારને 2019માં ગ્રેમી માટે નોમિનેશન મળ્યું હતું. આ એવોર્ડ અને પ્રભાવશાળી ગીત તેને ભારતથી અમેરિકા લઈ ગયુ છે. ફાલુ તરીકે પ્રોફેશનલી જાણીતા, ગાયક, ગીતકાર અને સંગીતકાર ફાલ્ગુનીએ વિશાળ આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે સહયોગ કર્યો છે. લોકોએ તેમને યાદગાર લાઇવ પર્ફોર્મન્સ આપતા અને અર્થપૂર્ણ રીતે સંગીત આપતા જોયા છે. ગરવી ગુજરાતે એ ગેમ ચેન્જર USA-સ્થિત ગાયક સાથે તેમના ગ્રેમી એવોર્ડની જીત, બાળકોના સંગીત, રસપ્રદ પ્રવાસ અને ભવિષ્યની આશાઓ વિશે ચર્ચા કરી હતી.
તમને સંગીત સાથે સૌપ્રથમ કોણે જોડ્યા?
હું ત્રણ વર્ષની હતી ત્યારે મારી ઓલ ઈન્ડિયા રેડિયો પર ગાતી ગાયિકા માતાને લાગ્યું હતું કે મારી પાસે સારી સંગીત પીચ છે અને મારી શાસ્ત્રીય સંગીતની તાલીમ ત્યાંથી જ શરૂ થઇ હતી. અને હું હજી પણ મને મળેલી દરેક તકે શીખું છું.
તમે અદ્ભુત લોકો સાથે કામ કર્યું છે. શું એક સાથેનો અનુભવ કહેશો?
એ.આર. રહેમાને મને 100 ટાઈમ ગાલામાં તેમની સાથે ગાવાનું આમંત્રણ આપ્યું હતું, જ્યાં તેઓ ટાઈમ પર્સન ઑફ ધ યર હતા. તેમની સાથે ગાવું ખૂબ જ જાદુઈ હતું. તેમના આમંત્રણ અને આશીર્વાદથી મને આત્મવિશ્વાસ મળ્યો હતો જેની તે સમયે મારી કારકિર્દી માટે જરૂર હતી.
એઆર રહેમાન સાથે કામ કરવા વિશે તમને બીજું શું યાદ છે?
તે વર્ષે જય હો માટે તેઓ એવોર્ડ જીત્યા હતા અને અમે પ્રેસિડેન્ટ ઓબામા અને શ્રીમતી ઓબામા માટે વ્હાઇટ હાઉસ ગયા ત્યારે અમારે જય હો અને અન્ય કેટલાક ગીતો ગાવાના હતા. તેમની સાથે ગાવાનું સમગ્ર સંગીતને સ્વર્ગીય કરિશ્માના સુંદર પરિપ્રેક્ષ્યમાં મૂકે છે.
તમે કયા કારણે બાળકોના ગીતો રેકોર્ડ કરવા તરફ ગયા?
કહેવત છે ને કે ‘બાળક જન્મે ત્યારે માતા જન્મે છે’. જ્યારે મારા પુત્ર ચાર વર્ષની ઉંમરે પ્રી-સ્કૂલમાં ગયો ત્યારે તેને પોતાની ઓળખના પ્રશ્નો થયા. જેમ કે ‘હું બ્રાઉન કેમ છું’ અથવા ‘હું ઘરે ગુજરાતી કેમ બોલું છું’. વ્યક્તિ તરીકે અમારામાં શાસ્ત્રીય અને પરંપરાગત ભારતીય સંસ્કૃતિ ઉતરેલી છે, હું તેને હંમેશા કહેવા માંગુ છું કે તમારી પાસે જે છે અને જે તમને વારસામાં મળ્યું છે તે સોનું છે, તેથી બે ભાષાઓ બોલતા અને બે સંસ્કૃતિઓ જાણવાથી ડરશો નહીં, તેના બદલે તેને સ્વીકારો અને તેના પર ગર્વ અનુભવો. પરંતુ તમે તેના વિશે ચાર વર્ષના બાળકને કેવી રીતે કહી શકો? તેથી, મેં ગીતો લખવાનું શરૂ કર્યું.
કયા પ્રકારનાં ગીતો?
તેને ગીતોમાં વન, ટુની જગ્યાએ એક, દો, તીન, ચાર, પાંચ પણ કહી શકો છો. મેં તેને સુંદર ધૂનો અને વિચારો આપ્યા. હિન્દી અને ગુજરાતીમાં મસાલા અને વાસણોના નામ કહેતી. અને તે આલ્બમ નોમિનેટ થયું. મને લાગે છે કે ઘણા ઇમિગ્રન્ટ સમુદાયો અમેરિકામાં તેમની પોતાની સંસ્કૃતિ અને ઓળખને જોડાયેલી રાખવા સંઘર્ષ કરે છે. મારી પાસે કોઈ યોજના ન હતી, ફક્ત મારા પોતાના પુત્ર માટે લખવાનું કર્યું હતું.
તમને બાળકોના બીજા આલ્બમ માટે કેમ રસ પડ્યો?
જ્યોર્જ ફ્લોયડની હત્યા પછી મારો પુત્ર ‘શું મારે મારી ત્વચાના કલરને કારણે ડરવાની જરૂર છે?, શું હું સુરક્ષિત છું? જેવા વધુ પ્રશ્નો પૂછતો. પછી મેં મારી ટીમ સાથે ‘અ કલરફુલ વર્લ્ડ’ લખ્યું, જેણે મને આ વિઝન કરવામાં મદદ કરી અને અમે બધાએ સાથે મળીને આ લખ્યું. અમે તેને ‘કલરફૂલ ટીમ’ નામ આપ્યું. કારણ કે મારા ત્રણ નિર્માતાઓ લેટિન છે, હું ભારતીય છું અને સંગીતકારો વિશ્વભરના છે. મને લાગે છે કે અમે બાળકો માટે વૈશ્વિક પ્રતિનિધિત્વ ઇચ્છીએ છીએ. જેથી તેઓ જણાવે કે તમે જે પણ છો, તેને તમે પ્રેમ કરો અને તમારા મતભેદોથી ડરવાની જરૂર નથી. તેના બદલે તમારા મતભેદો સાથે એકબીજાને સ્વીકારો.
જ્યારે તમે ગ્રેમી જીત્યા ત્યારે શું પ્રતિભાવ હતો?
તે સંપૂર્ણ આઘાતજનક હતું. મેં મારા બાળક માટે કેટલાક ગીતો લખ્યા હતા, પણ સમગ્ર સંગીત સમુદાયે તેને સાંભળ્યા, તેમને ગમ્યા અને તેમણે મત આપ્યો. માત્ર નામાંકિત થવું ખૂબ જ રોમાંચક છે. તેઓ હજારો આલ્બમ્સ સાંભળે છે અને તમે ટોચના પાંચમાં પસંદ થાવ તો તે અદ્ભુત હોય છે, અને જો તમે જીતી જાઓ તો તે એક તાજ હોય છે. બાળકોના સંગીતના આટલા સુંદર વિષય સાથે ભારતને આટલા વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ મળવાથી અમે બધા ખૂબ જ રોમાંચિત અને ખુશ છીએ. હું સમાનતા, ઇન્ક્લુઝીવનેસ અને વિવિધતાને ધ્યાનમાં રાખીને હૃદયપૂર્વક ગીતો લખી રહી છું, અને તે માત્ર મારા પુત્ર માટે જ નહીં, વિશ્વભરના તમામ બાળકો માટે માન્ય છે.
તમને મળેલા ઘણા બધા અભિનંદનમાં કયો સંદેશ સૌથી વધુ મહત્વનો છે?
હા, નરેન્દ્ર મોદીજીનો. તે સૌથી મોટું સન્માન હતું. તેઓ અતિવ્યસ્ત માણસ છે અને તેમણે ટ્વીટ કરી મને આશીર્વાદ આપવા માટે સમય કાઢ્યો. જો તેઓ સાંભળતા હોય, તો હું તેમને કહીશ કે તમારી ટ્વિટ અને આશીર્વાદ બદલ ખૂબ આભારી, નમ્ર અને સન્માનિત છું. હું તમને વચન આપું છું કે હું વૈશ્વિક સ્તરે ભારતીય સંગીતકાર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશ.
શું તમે આગામી આલ્બમ માટે દબાણ અનુભવો છો?
હા, જબરદસ્ત. એકવાર ટોચ પર પહોંચ્યા પછી તમારે તે જાળવી રાખવું પડે છે. મારે માત્ર પદ પર રહેવા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મારા દેશ, સમુદાય અને દક્ષિણ એશિયનોને પાછુ આપવા આગળના શ્રેષ્ઠ પગલાં શું હશે તેની વ્યૂહરચના શોધવાની છે.
છેવટે, આજે તમારા માટે સંગીતનો અર્થ શું છે?
મને લાગે છે કે સંગીત એ પાવરહાઉસ છે. તે એવી વસ્તુ છે જે આપણે મનુષ્યોએ સર્વશક્તિમાન પાસેથી ભેટ તરીકે મેળવી છે અને તેનો સંપૂર્ણ બળ અથવા સંભવિત ઉપયોગ કર્યો નથી. સંગીત જીવનને બદલી શકે છે, લોકોને હતાશામાંથી બહાર લાવી શકે છે, સાજા કરી શકે છે અને મનુષ્યને માનસિક શાંતિ અને મહાન ઉત્થાન આપી શકે છે. સુંદર નોંધો સાથે અને નક્કર અર્થ આપી શકે છે અને જીવનને સકારાત્મક બનાવી શકે છે.