નેશનલ એસેમ્બ્લીમાં અવિશ્વાસની દરખાસ્તમાં નાલેશીજનક પરાજય બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ફરી વિદેશી ષડયંત્રનો રાગ આલોપ્યો હતો અને જણાવ્યું હતું કે આજે ફરી આઝાદીનો સંગ્રામ ચાલુ થયો છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિકે ઇન્સાફના સભ્યોએ આવતીકાલે નેશનલ એસેમ્બ્લીમાંથી રાજીનામું આપવાનો પણ નિર્ણય કર્યો છે.
ખાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પાકિસ્તાન 1947માં સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું, પરંતુ સત્તાપરિવર્તનના વિદેશી કાવતરા સામે આજે ફરી આઝાદીનો સંગ્રામ ચાલુ થયો છે. આ દેશના લોકોએ હંમેશા પોતાના સાર્વભૌમત્વ અને લોકશાહીનું રક્ષણ કર્યું છે.
પૂર્વ પીએમના વડપણ હેઠળ ભાવિ એક્શન પ્લાનની ચર્ચા કરવા માટે તેમના પક્ષ પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ (પીટીઆઇ)ની કોર એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા ઇમરાને પોતાનો લડાયક મિજાજ જાળવી રાખ્યો હતો. પીટીઆઇના પૂર્વ નેતા અને પૂર્વ માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જાહેરાત કરી હતી કે વડાપ્રધાન તરીકે પીએમએલ-એનના નેતા શહેબાઝ શરીફ સામેના પીટીઆઇના વાંધાનો ઉકેલ લાવવામાં આવશે નહીં, તો તેમની પાર્ટી નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપી આપશે. વિપક્ષે વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શહેબાઝ શરીફના નામની જાહેરાત કરી છે.