રશિયાના આક્રમણને પગલે યુક્રેનથી પરત આવેલા ભારતના હજારો મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહતજનક સમાચાર છે. યુક્રેનની મેડિકલ યુનિવર્સિટીઓએ તેમના વિદેશી વિદ્યાર્થીઓને પોતાના દેશની હોસ્પિટલો અને ક્લિનિક્સમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની છૂટ આપી છે. યુક્રેનની યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગની તક પૂરી પાડવા વિદેશી સરકારોને પણ અનુરોધ કર્યો છે, જેથી વિદ્યાર્થીઓ જરૂરી પ્રેક્ટિકલ કુશળતા હાંસલ કરી શકે.
યુક્રેનની યુનિવર્સિટીઓએ ગયા મહિનાથી ઓનલાઇન ક્લાસિસ ચાલુ કર્યા છે, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ માટેની મુખ્ય ચિંતા પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવવાની છે. આવા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે કેટલીક હોસ્પિટલ્સ અને પ્રાઇવેટ ક્લિનિક્સે પ્રેક્ટિકલ ક્લાસિસ અને ઇન્ટર્નશીપ આપવાનું ચાલુ કર્યું છે.
ડિનિપ્રો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી (DMSU)એ એક નોટિસમાં જણાવ્યું છે કે યુક્રેનમાં હાલની સ્થિતિમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજીની મદદથી અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ તથા ટ્રિટમેન્ટ એન્ડ પ્રિવેન્શન ફેસિલિટીમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગની તક મળતી નથી. તેથી વિદેથી વિદ્યાર્થીઓના દેશોની જાહેર સંસ્થાઓને આવી તાલિમ આપવાનો અનુરોધ કરવામાં આવે છે. વી એન કરાઝિન ખારકિવ નેશનલ યુનિવર્સિટીએ પણ આવી અપીલ કરતાં જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીઓ મેડિકલ સંસ્થાના ફોર્મમાં ડોક્ટરે હસ્તાક્ષર કરેલું પ્રેક્ટિકલ સ્કીલનું પ્રમાણપત્ર આપશે તો તેને 2021-22ના શૈક્ષણિક વર્ષના સ્પ્રિન્સ સેમેસ્ટર માટે પ્રેક્ટિકલ ટ્રેનિંગ તરીકે માન્ય ગણવામાં આવશે. નેશનલ પિરોગોવ મેમોરિયલ યુનિવર્સિટીએ પણ આવો જ આદેશ આપ્યો છે.