યુકેમાં કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે સ્ટાફની અછતને કારણે બે મુખ્ય એરલાઇન્સ બ્રિટિશ એરવેઝ અને ઇઝીજેટે ચાલુ સપ્તાહે આશરે 100 જેટલી ફ્લાઇટ રદ કરી છે. તેનાથી લોકોની ઇસ્ટર હોલિડેની યોજનાઓ ખોરવાઈ ગઈ હતી.
કોરોના વાઇરસને કારણે સ્ટાફની ગેરહાજરીને કારણે બ્રિટિશ એરવેઝે બે ફ્લાઇટ કેન્સલ કરી હતી. અગાઉ એરલાઇને તેના શિડ્યુલમાં ફેરફારના ભાગરૂપે 70 કરતાં વધુ ફ્લાઇટ એડવાન્સમાં કેન્સલ કરી હતી.
બજેટ એરલાઇન ઇઝીજેટે લંડનના ગેટવિક એરપોર્ટથી ઉપડતી અને આવતી ઓછામાં ઓછી 30 ફ્લાઇટ્સ કેન્સલ કરી છે. બ્રિટનમાં એવિયેશન ઇન્ડસ્ટ્રી સ્ટાફમાં અછતનો સામનો કરી રહી છે. કોરોના વાઇરસ સંબંધિત માંદગીમાં ઉછાળો અને મહામારી સંબંધિત નોકરીમાં કાપને કારણે સ્ટાફની અછત ઊભી થઈ છે.
બ્રિટિશ એરવેઝ અને ઇઝીજેટે વીકએન્ડથી સેંકડો ફ્લાઇટ રદ કરી છે. બીજી તરફ બે સપ્તાહની ઇસ્ટર હોલિડે સિઝન ચાલુ થઈ છે. ઇઝીજેટે જણાવ્યું હતું કે તે બુધવારે તેની નિર્ધારિત 1,545 ફ્લાઇટમાંથી મોટાભાગની ફ્લાઇટસનું ઉડ્ડયન કરશે. થોડી ફ્લાઇટ્સ એડવાન્સમાં કેન્સલ કરાઈ છે, જેથી મુસાફરોને નવી ફ્લાઇટ બુકિંગ કરવા માટે પૂરતો સમય મળી રહે. એરલાઇને જણાવ્યું હતું કે સમગ્ર યુરોપમાં કોરોનાના ઊંચા કેસોને કારણે બિમાર સ્ટાફની સંખ્યા સામાન્ય સ્તર કરતાં બમણી છે.
ઓમિક્રોનના વધુ ચેપી BA.2 વેરિયન્ટના ફેલાવાને કારણે બ્રિટનમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે. ગયા સપ્તાહે કોરોના કેસોન વિક્રમજનક સ્તરે પહોંચ્યાં હતા. સત્તાવાર આંકડામાં દર્શાવ્યા મુજબ 13માંથી એક વ્યક્તિને વાઇરસ હતો. કોરોના મહામારીના બે વર્ષના નિયંત્રણો બાદ લોકો ઇસ્ટર સ્કૂલ હોલિડેની ઉજવણી કરવાની યોજના બનાવી છે ત્યારે આ સમસ્યા ઊભી થઈ છે.