ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મુસાફરોને પીરસવામાં આવતા માંસાહારી ભોજન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે આ બોર્ડ દ્વારા થોડા વર્ષો પહેલા માંગ કરવામાં આવી હતી કે પશુધનની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવે. હવે બોર્ડ દ્વારા દેશની તમામ ફ્લાઈટ્સમાં નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો તેમજ જૈન સમાજના અમુક આગેવાનો દ્વારા સિવિલ એવિએશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને કહ્યું છે કે તેમના દ્વારા તમામ એરલાઈન્સને માંસાહાર પીરસવાનું બંધ કરવાનો આદેશ આપવામાં આવે. આ બોર્ડના એક સભ્ય રાજેન્દ્ર શાહ 30મી માર્ચના રોજ જ્યોતિરાદિત્ય સિંધિયાને લખેલા પત્રમા જણાવ્યું હતું કે શાકાહારી લોકોના બદલે અમે આ વિનંતી સરકાર સમક્ષ કરી છે. ફ્લાઈટમાં નોન-વેજ ફૂટ પીરસવામાં આવે છે ત્યારે આ લોકોની લાગણીઓ દુભાય છે. અને જ્યારે શુદ્ધ શાકાહારી મુસાફરોને ભૂલથી નોન-વેજ ફૂડ આપી દેવામાં આવે છે ત્યારે તેમને ઘણો કડવો અનુભવ છે.ઉલ્લેખનીય છે કે ટોક્યોથી દિલ્હી જતી એક ફ્લાઈટમાં શુદ્ધ શાકાહારી મુસાફરને કથિત રીતે નોન-વેજ ફૂડ ભૂલથી પીરસાઈ ગયું હોવાની તાજેતરમાં બનેલી ઘટનાના સંદર્ભમાં આ પત્ર લખવામાં આવ્યો છે.