ઓલ્ડહામ લોર્ડ સ્ટ્રીટ ખાતે ઈ-સ્મોક નામની દુકાન ધરાવતા નિસાર અહમદે સગીર કિશોરોના જૂથને સિગારેટ અને ઇલેક્ટ્રોનિક સિગારેટ વેચવાનો ઇનકાર કર્યા પછી તેમની દુકાન પર ઇંડા, પાર્ટી પોપર્સ અને બોટલો વડે હુમલો કરાયો હતો. તેમણે દુકાન પર કરાયેલ હુમલાનો આઘાતજનક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
દુકાનના માલિક નિસાર અહમદે કહ્યું હતું કે “આઇડી કાર્ડ ન હોવાના કારણે મેં સિગારેટ અને ઇલેક્ટ્રોનિક સિગારેટ વેચવાનો ઇન્કાર કરતા 10 – 15 લોકો દુકાનની અંદર અને બહાર કૂદકા મારતા હતા. તેમણે ઇંડા અને અન્ય વસ્તુઓ ફેંકી ભાગવાનું શરૂ કર્યું હતું. તે ખરેખર નિરાશાજનક હતું. આવું નિયમિત ધોરણે દર બીજા અઠવાડિયે થાય છે. ત્રણ વર્ષ પહેલાં મેં દુકાન ખોલી ત્યારથી ચાલુ છે. એક ગ્રાહકે ફટકો માર્યો હતો અને ભાગતા પહેલા હથોડી વડે દુકાનની બારી તોડી નાખી હતી. ક્રિસમસના આગલા દિવસે સ્ટોરમાં ચોરીનો પ્રયાસ પણ થયો હતો. જેમાં દુકાનના શટરને ‘નુકસાન’ થયું હતું. આ ઘટનાઓના કારણે દુકાનના વીમા પ્રીમિયમમાં 50 ટકાનો વધારો થયો છે.’’ આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યો છે.