યુકેના મીડિયા વોચડોગ ધ ઑફિસ ઓફ કોમ્યુનિકેશન્સ (ઑફકોમ) દ્વારા દેશમાં ખાલિસ્તાની પ્રચાર સાથે પ્રસારણના નિયમોનો ભંગ કરવા બદલ ખાલસા ટેલિવિઝન લિમિટેડનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ઑફકોમે ગયા વર્ષે 30 ડિસેમ્બરે ખાલસા ટીવીના ‘પ્રાઈમ ટાઈમ’ પ્રોગ્રામ પર “ગુનો કરવા માટે પ્રોત્સાહિત કરવા અથવા ઉશ્કેરવા અથવા અવ્યવસ્થા તરફ દોરી જાય તેવી સંભાવના ધરાવતી સામગ્રી પ્રસારીત કરી બ્રોડકાસ્ટિંગ કોડના ભંગ કરવા બદલ સસ્પેન્શન નોટિસ આપી હતી. 95-મિનિટના લાઇવ ડીબેટ કાર્યક્રમમાં “હિંસા ભડકાવવા”ની શક્યતા હોય તેવી સામગ્રીનો સમાવેશ કરાયો હતો.
કાર્યક્રમના પ્રસ્તુતકર્તાએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંખ્યાબંધ નિવેદનો આપ્યા હતા જેમાં ખાલિસ્તાની ચળવળને આગળ વધારવા માટે સ્વીકાર્ય અને જરૂરી પગલાં તરીકે હત્યા સહિતની હિંસક કાર્યવાહીને પ્રોત્સાહન આપ્યું હતું. અપરાધ અને અવ્યવસ્થાને ઉશ્કેરવા અંગેના ઓફકોમના નિયમોનું ગંભીર ઉલ્લંઘન હતું.
ખાલસા ટેલિવિઝન લિમિટેડે 21 દિવસમાં ઑફકોમને રજૂઆત કરવાની રહેશે અને તે પછી ઓફકોમ નક્કી કરશે કે ખાલસા ટેલિવિઝન લિમિટેડનું લાઇસન્સ રદ કરવું કે નહીં.
KTVના નામથી ઓળખાતું ખાલસા ટેલિવિઝન લિમિટેડ યુકેમાં શીખ સમુદાય માટે પ્રસારણ કરતી મોટી ટીવી ચેનલ છે. ફેબ્રુઆરીમાં, ચેનલને ઑફકોમની “પ્રિલિમનરી વ્યુ” નોટિસ મળી હતી અને “વાંધાની કોઈપણ વાસ્તવિક વિગતો” આપવામાં નિષ્ફળ જતાં ગયા મહિને તેને જવાબ આપવા માટે બીજી તક આપી હતી.
સસ્પેન્શનના સમયગાળા દરમિયાન, KTV લિમિટેડે ટીવી સેવાનું પ્રસારણ કરી શકશે નહિં. 1990ના અધિનિયમની કલમ 13 અનુસાર, સસ્પેન્શન સમયગાળા દરમિયાન KTV સેવાનું પ્રસારણ કરવું ફોજદારી ગુનો ગણાશે, જે માટે અમર્યાદિત દંડ દ્વારા સજાપાત્ર છે.” ઑફકોમે અગાઉ પણ ચેનલ સામે સમાન પગલાં લીધાં છે, જેમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કુલ £50,000નો દંડ કર્યો હતો.