ગત સપ્ટેમ્બર મહિનામાં વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્ય પ્રધાનપદે રાજીનામું આપ્યા પછી તેમના સ્થાને અમદાવાદમાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની આશ્ચર્યજનક રીતે તેમના અનુગામી તરીકે પસંદગી થઇ હતી. ભાજપ હાઇ કમાન્ડે જુનું પ્રધાનમંડળ આખું બદલીને તમામ નવા ચહેરાઓને સરકારમાં સ્થાન આપ્યું હતું. હવે નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના શાસનના 200 દિવસ કોઇપણ વિવાદ વગર પૂર્ણ થયા છે. ભૂપેન્દ્ર પટેલે પોતાના શાસનમાં નવા ઉમદા જનસેવાના કામો કર્યા છે. નિર્મળતા સાથે નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા ભૂપેન્દ્ર પટેલની સરકારના ક્રાંતિકારી નિર્ણયો, ઉપલબ્ધિઓ, નવતર પહેલ સાથે રાજ્યના જનજનની સેવાની સફળ પરિશ્રમ યાત્રા બની છે.
મુખ્ય પ્રધાને આ 200 દિવસ દરમિયાન અંદાજે 61 હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને લોકો વચ્ચે, લોકો સાથે, લોકો માટે સતત કર્તવ્યરત જનસેવકની આગવી છબી ઉભી કરી છે. સાલસ સ્વભાવ અને સતત પ્રવૃત્ત રહેવાની ધગશ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના જનમાનસમાં મૃદુ પણ મક્કમ અને નિર્ણાયક નેતૃત્વકર્તા પૂરવાર થયા છે. ગુજરાતના યુવાધનને ઘરઆંગણે વર્લ્ડકલાસ એજ્યુકેશનની સુવિધા આપવાના ધ્યેયથી રાજ્યમાં નવી 11 ખાનગી યુનિવર્સિટીઓને તેમણે મંજૂરી આપી છે.
નવી શિક્ષણ નીતિના દિશાદર્શન અને Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ થયું, તે અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર આ નીતિ અન્વયે આર્થિક સહાય આપે છે. રાજ્યની શાળાઓમાં માળખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કુલ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો છે. આ શાસનમાં વેક્સિનેશન અભિયાન વેગવંતુ બન્યું છે અને 10 કરોડ ડોઝની સિદ્ધિ ગુજરાતે મેળવી છે. અત્યાર સુધી રાજ્યના 30 લાખ તરૂણોને, 9 લાખ બાળકોને કોરોના વિરોધી રસીકરણમાં આવરી લેવાયા છે. ગુજરાત એર એમ્બ્યુલન્સ શરૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને દિશાદર્શનમાં દેશના ગ્રોથ એન્જિન અને પોલિસી ડ્રીવન સ્ટેટ ગુજરાતની સિદ્ધિઓ ભૂપેન્દ્ર પટેલે વધુ ઉજ્જવળ બનાવી છે. તેમના નેતૃત્વમાં રાજ્ય સરકારે ચાર નવી પોલિસી સફળતાપૂર્વક અમલી બનાવી છે, જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી -2.0; આઇ.ટી. પોલિસી -2022, બાયોટેકનોલોજી પોલિસી અને સ્પોર્ટ્સ પોલિસીનો સમાવેશ થાય છે. આ બધી જ પોલિસી દ્વારા રાજ્યની યુવાશક્તિના કૌશલ્યને વિશ્વસમકક્ષ બનાવવાનો સફળ આયામ આદર્યો છે.