અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને તેમના એડમિનિસ્ટ્રેશનનમાં બે ઇન્ડિયન અમેરિકનની મહત્ત્વના પદો પર નિમણૂક કરવાનો પોતાનો ઈરાદો હોવાની જાહેરાત કરી છે. વિનય સિંહને ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટમાં ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે અને કલ્પના કોટાગલની ઇક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપર્ચ્યુનિટી કમિશનમાં કમિશ્નર તરીકે નિમણૂક કરાશે.
વ્યવસાયે સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ વિનય સિંહ અત્યારે યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના એડમિનિસ્ટ્રેટરના સીનિયર એડવાઇઝર તરીકે કાર્યરત છે. તેઓ ખાનગી ક્ષેત્રમાં નેતૃત્ત્વના 25 વર્ષના અનુભવની સાથે નાણાકીય બાબતો, વિશ્લેષણ અને વ્યૂહરચનાની બાબતોમાં ઉંડી સમજ ધરાવે છે. આ ઉપરાંત વિનય સિંહે ઓબામા-બાડેન એડમિનિસ્ટ્રેશનમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી (યુએસ ફિલ્ડ)માં પણ સેવા આપી છે. તેમણે અમેરિકન કંપનીઓ માટેની રોકાણ નીતિ અને પ્રચારના પ્રયાસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ભારતીય ઇમિગ્રન્ટ દંપતીની પુત્રી, કોટાગલ ‘કોહેન મિલ્સ્ટીન’ નામની ફર્મમાં ભાગીદાર છે. તેઓ કંપની સિવિલ રાઇટ્સ એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રેક્ટિસ ગ્રુપના સભ્ય છે, તેમ જ તેઓ કંપનીની હાયરીંગ એન્ડ ડાયવર્સિટી કમિટીનાં સહ-અધ્યક્ષ છે.
દેશના અગ્રણી ઇન્ડિયન અમેરિકન અને સાઉથ એશિયન નાગરિકોના સંગઠન ‘ભારતીય-અમેરિકન ઇમ્પેક્ટ’ એ ઇક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી કમિશનના કમિશનર પદે કોટાગલની નિમણૂકને આવકારી છે.ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નીલ માખીજાએ જણાવ્યું હતું કે, ‘કોટાગલનો સમાવેશ વિશેષ પ્રકારની સિદ્ધિ મેળવનારી સાઉથ એશિયન મહિલાઓમાં થાય છે. તેઓ વૈવિધ્યતા, સમાનતા અને સમાવેશક અંગેના રાષ્ટ્રીય બાબતનો અગ્રણી અવાજ છે.’